ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ષ 2024-2025ના બજેટના આરંભે રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઇએ ગુજરાતના છેલ્લાં 23 વર્ષના વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શકિત, દીર્ઘ દ્રષ્ટી અને વિઝનના વખાણ કર્યા હતા. નાણામંત્રીએ રાજ્યના આર્થિક વિકાસને દેશના અન્ય રાજ્યના વિકાસ માટે માર્ગદર્શક બની રહે એમ કહીને ગુજરાત મોડલની સાર્થકતાને ગૃહમાં રજૂ કરી હતી. નાણામંત્રીએ રાજ્યની બાળકીઓ, કન્યા અને મહિલા વિકાસ માટે સરકારી સહાય માટે વધુ કદમ ઉઠાવ્યા છે એમ કહીને બજેટમાં મહિલા પ્રાધ્યાન્યની વાત કરી અને ગુજરાત અને સમાજને સશક્ત નાગરિક સમાજ બનાવવા બજેટ કટિબદ્ધ છે એમ કહ્યું હતું.
બજેટના આરંભે રામ નામ અને મહિલા શક્તિનું ગાનઃ ગૃહમાં બજેટના વાંચન પહેલા પ્રશ્ન પુછવા ઉભા થયેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જય શ્રી રામનું ઉદ્બબોધન કર્યું હતું. ત્યારબાદ રામ સૌના છે એવી ટકોર સંભળાઈ હતી. આમ વર્ષ 2024-2025ના બજેટની રજૂઆત રામ નામ અને મહિલા શક્તિના ગાનથી થઈ હતી.
ગુજરાત વૈશ્વિક વિકાસનું ગ્રોથ એન્જિન છે, જે બજેટમાં પડઘાય છેઃ ગુજરાતને છેલ્લાં 20 વર્ષથી દેશના ગ્રોથ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2024-2025ના બજેટને ભાજપ સરકારે વિક્સિત ગુજરાત @ 2047 તરીકે ઓળખાવે છે. રાજ્યના નાણાં પ્રધાન કનુ દેસાઈ એ બજેટ રજૂ કરતા સમયે કહ્યું કે, વર્ષ 2024-2025ના બજેટમાં ગત વર્ષ કરતાં 11.5 ટકાનો વધારો કરી રાજ્યના બજેટનું કદ 3.32 લાખ કરોડનું વધ્યું છે. નાણા પ્રધાને રાજ્યના વિઝનને 5-Gને સાર્થક કરનારુ ગણાવ્યું છે. જેમાં ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતનો સમાવેશ થાય છે. નાણાં પ્રધાને વર્ષ 2024-205ના બજેટને GYAN (ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ)ના સર્વ સમાવેશક બજેટ તરીકે ગણાવી, કેટલીક મહત્વની જાહેરાતો કરી છે.
1,100 જનરક્ષક વાહનોનું માળખુંઃ 112 ઈમરજન્સી કોલ બન્યો, પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ અને અન્ય આકસ્મિક સેવાનો એક નંબર. જેમાં શહેરમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ અને અન્ય આકસ્મિક સેવા મળી શકશે. જેમાં રુ. 94 કરોડના ખર્ચે 1,100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવાશે.
દીકરીઓ માટે 3 યોજનાઃ રાજ્યની અંદાજિત 10 લાખ કન્યાઓને શિક્ષણ અને પોષણમાં લાભ માટે રુ. 1,250 કરોડની નમો લક્ષ્મી યોજના, રાજ્યની ધોરણ-10માં 50 ટકાથી વધુ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા માટે પ્રોત્સાહન આપવા રુ. 250 કરોડની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, ભારત સરકારની 11 સુચિત કેટેગરીના લાભાર્થી બહેનોને સંસ્થાકિય પ્રસુતિ માટે રુ. 12 હજારની સહાયની નમોશ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નિર્મળ ગુજરાત 2.0 યોજના થકી રાજ્યમાં સ્વચ્છતાને અગ્રીમતા અપાશે. ગુજરાત સરકારના બજેટનું કદ વધતુ જાય છે, પણ બજેટની વધતી રકમથી સમાજને કેવો લાભ મળે છે એ અંગે હંમેશાથી ચર્ચા થતી રહે છે.
ગુજરાત સરકારે 3 લાખ કરોડ કરતાં વધારાનું બજેટ જાહેર કર્યું છે. શિક્ષણમાં સરકારે સારું બજેટ ફાળવ્યું છે. એ સામે સરકારે કબૂલ્યું છે કે, કેટલી બધી શાળામાં શિક્ષકો નથી. શાળાઓમાં ઓરડાઓ નથી કે છત નથી. બાળકોને ખુલ્લામાં બેસવું પડે છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી શિક્ષણના બજેટમાં વપરાયા છતાં કોઈ સુધારો થતો નથી. બાળકોને સારું શિક્ષણ મળે તો આપણને સારાં નાગરિકો મળશે. સરકાર શિક્ષણ ક્ષેત્રે કેમ કોઈ સુધારો કરતી નથી. સરકારી શાળાઓ પાછળ ખર્ચાતી મોટી રકમ છતાં તેની ગુણવત્તા કેવી છે એ મોટો પ્રશ્ન છે. એવી જ રીતે ઈન્ફ્રાસ્ટ્રકચર હેઠળ નવા પુલ અને કેનાલ બને છે, નાગરિકોના વેરાથી સર્જાતુ ઇન્ફ્રાસ્ટ્રકચર ગુણવત્તા પર કેમ ધ્યાન અપાતું નથી. બજેટ સારું ફળવાય સાથે -સાથે તેનો ઉપયોગ અને અમલવારી થાય એ ઇચ્છનીય છે...યોગેશ ચુડગર(રાજકીય સમીક્ષક)
વિકાસ સાથે કલ્યાણનો અભિગમ બજેટને સંતુલિત રાખે છેઃ ગુજરાત સરકારના વર્ષ 2024-2025ના બજેટને ગ્રોથલક્ષી બજેટ કહેવાયું છે. રાજ્ય સરકારે બજેટમાં કબૂલ્યુ છે કે, રાજ્ય સરકારે વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓમાં અને વિવિધ કાર્યક્રમોમાં સબસિડી વધારી છે. રાજ્યના 27 વિભાગોની વાત કરીએ તો 10 વિભાગોમાં બજેટ ફાળવણીમાં 34.9% થી લઇને 13% સુધીનો વધારો કર્યો છે. મોટાભાગનો આ બજેટીય વધારો એ ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ અને પ્રોત્સાહક રાશિ આપવામાં માટે કર્યો છે. ગુજરાત સરકારના વર્ષ 2024-2025ના બજેટને ગ્રોથલક્ષી બજેટ કહેવાયું છે. રાજ્ય સરકારે બજેટમાં કબૂલ્યુ છે કે, રાજ્ય સરકારે વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓમાં અને વિવિધ કાર્યક્રમોમાં સબસિડી વધારી છે. રાજ્યના 27 વિભાગોની વાત કરીએ તો 10 વિભાગોમાં બજેટ ફાળવણીમાં 34.9% થી લઇને 13% સુધીનો વધારો કર્યો છે. મોટાભાગનો આ બજેટીય વધારો એ ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ અને પ્રોત્સાહક રાશિ આપવામાં માટે કર્યો છે.