અમદાવાદ: ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણી માટે કવાયત શરૂ થઈ ગઈ છે અને ગુજરાત રાજ્યના તમામ 275 વકીલ મંડળોની ચૂંટણી 20 ડિસેમ્બરે યોજાશે. આ સંદર્ભે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્યમાં થનારી વિવિધ વકીલ મંડળોની ચૂંટણીને લઇ બાર કાઉન્સિલ દ્વારા ચૂંટણી કમિટીની પણ રચના કરવામાં આવી છે. ઉપરાંત આગામી દિવસોમાં બાર એસોસિએશન દ્વારા ચૂંટણીને લઇ રિટર્નિંગ ઓફિસરની પણ નિયુક્તિની પ્રક્રિયા અપનાવવામાં આવશે. અને અંતે 20 ડિસેમ્બર 2024 ના દિવસે એક સાથે ગુજરાતના તમામ 275 વકીલ મંડળોની ચૂંટણી કરવામાં આવશે.
બાર એસોસિએશનને જાહેરનામું બહાર પાડવાનું રહેશે:વકીલ મંડળોની ચૂંટણી મુદ્દે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે.જે. પટેલે જણાવ્યું હતું કે, 12 કાઉન્સિલ ઓફ ગુજરાત એસોસિએશન્સ 2015 મુજબ, તમામ એસોસિએશનની ચૂંટણી ડિસેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં યોજવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતના 275 વકીલ મંડળોના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, હજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી, મહિલા પ્રતિનિધિ અને કારોબારી સભ્યોની બીજી ડિસેમ્બર 2024 ના દિવસે ચૂંટણી યોજાશે. આ અંગે બાર એસોસિએશનને જાહેરનામું બહાર પાડવાનું રહેશે. ઉપરાંત આ ચૂંટણી માટે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રને ભરી દેવાનું રહેશે. ત્યાર પછી 12 ડિસેમ્બર સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. આ દરમિયાન ઉમેદવારો ફોર્મ પાછો ખેંચી શકશે, ત્યારબાદ ચૂંટણી પ્રચાર માટે વકીલોને સમય આપવામાં આવશે.