ગાંધીનગર: ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી એક મોટો વર્ગ ખેતી આધારિત ઉદ્યોગો દ્વારા રોજગાર મેળવી રહ્યો છે, જે પૈકી મધમાખી ઉછેર ખૂબ જ અગત્યનો ઉદ્યોગ છે. મધમાખી ઉછેર સ્વાસ્થ્ય માટે ગુણકારી એવું મધ મેળવવાનું મુખ્ય માધ્યમ છે. અનેક ખેડૂતોના જીવનમાં મીઠાશ લાવનારા આ ઉદ્યોગનો ખર્ચ ઓછો છે, પણ તેમાં આવક ભરપૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’માં મીઠી ક્રાંતિનો ઉલ્લેખ કરી ચૂક્યા છે, જે મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની મહત્વની પહેલ છે.
વડાપ્રધાને મોટી સંખ્યામાં ખેડૂતોને મધમાખી ઉછેર સાથે જોડાવા માટે આહ્વાન કર્યું છે. ખેડૂતો મધમાખી ઉછેરના વ્યવસાય સાથે જોડાય અને તેમની આવકમાં વધારો થાય એ માટે ગુજરાતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ‘મિશન મધમાખી’ કાર્યક્રમ આ જ દિશામાં એક મહત્વનું પગલું છે. અમૂલ ડેરીના પશુપાલકોએ આ કાર્યક્રમ અંતર્ગત 16,000 કિલો મધનું ઉત્પાદન કર્યું છે જે આ યોજનાની નોંધનીય સફળતા દર્શાવે છે.
‘મિશન મધમાખી’ કાર્યક્રમ શું છે?
રાજ્યમાં મધમાખી ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની સાથે તેમને આ વ્યવસાય સંબંધિત માર્ગદર્શન, તાલીમ આપવા તેમજ મહત્તમ મધ ઉત્પાદન, પ્રોસેસિંગ, પૅકિંગ અને માર્કેટિંગ વ્યવસ્થા કરવાના ઉદ્દેશથી બાગાયત વિભાગે 2022-23થી ‘મિશન મધમાખી’ કાર્યક્રમ લાગુ કર્યો છે.
અમૂલ ડેરીના પશુપાલકોએ કર્યું 16,000 કિલો મધનું ઉત્પાદન
‘મિશન મધમાખી’ કાર્યક્રમને ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, આણંદ (અમૂલ ડેરી) મારફતે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી શ્વેત ક્રાંતિ બાદ મધ ક્રાંતિની દિશામાં એક મોટી પહેલ થઈ છે. અમૂલ ડેરીએ આ વર્ષની શરૂઆતમાં લાભાર્થી દીઠ ₹10,000ના યોગદાન સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 284 સભ્ય પશુપાલન ખેડૂતોને મધમાખી ઉછેરના આ પ્રોજેક્ટમાં સામેલ કર્યા હતા. ડેરી તરફથી દરેક સભ્યને મધમાખીના 10 બૉક્સ અને 5 સભ્યો વચ્ચે 1 હની એક્સટ્રેક્ટર પણ આપવામાં આવ્યું હતું. આ 284 પશુપાલકોએ અત્યારસુધીમાં લગભગ 16,000 કિલો મધનું રેકોર્ડ ઉત્પાદન કરીને પ્રોજેક્ટની સફળતાનો એક નવો અધ્યાય લખ્યો છે.
અમૂલ ડેરીના પ્રોસેસિંગ અને પૅકિંગ યુનિટ દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં લગભગ 2 ટન મધનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ સભ્ય પશુપાલકો અમૂલ ઉપરાંત સીધા વેચાણના માધ્યમથી પણ આવક મેળવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ સભ્યોએ પહેલા જ વર્ષ દરમ્યાન મધમાખી ઉછેર માટે રોકાણ તરીકે આપેલી રકમના લગભગ 75 ટકા વસૂલ કરી લીધા છે.