જૂનાગઢ :ગિરનાર પર્વત પર 24 કલાક વીજ પૂરવઠો જળવાઈ રહે તે માટે ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી વીજ પ્રવાહની ઓવરહેડ લાઈનની ક્ષમતા વધારીને તેને અંડરગ્રાઉન્ડમાં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટનું કામ પાછલા પાંચેક મહિનાથી ચાલી રહ્યું હતું.
24 કલાક ઝળહળશે ગિરનાર :આ કામ પૂર્ણ થતા આઝાદી બાદ પ્રથમ વખત હવે ગિરનાર પર્વત 24 કલાક વીજ પ્રવાહથી ઝળહળતો જોવા મળશે. આજે રાજ્યના ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા નવનિર્મિત અંડર ગ્રાઉન્ડ વીજ લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું, સાથે જ પ્રથમ નોરતે માં અંબાના દર્શન કરીને સૌને નવરાત્રીની શુભકામના પણ પાઠવી હતી.
24 કલાક ઝળહળશે "ગિરનાર" : નવી અંડરગ્રાઉન્ડ વીજ લાઈન કાર્યરત થઈ (ETV Bharat Gujarat) વીજ પ્રવાહની સમસ્યા :ગિરનાર પર્વત પર ઓવરહેડ લાઈન કાર્યરત હતી, પરંતુ અહીં ચોમાસા અને શિયાળામાં પવન ફૂંકાવાની સ્થિતિને કારણે લાઇટમાં અનેકવાર વીજ ભંગાણ સર્જાયું હતું. જેના કારણે ગિરનાર પર્વત પર PGVCL ના કર્મચારીઓ દ્વારા મેન્યુઅલી વીજ પ્રવાહની લાઈનને રિપેર કરવાનું ખૂબ મુશ્કેલ ભર્યું કામ કરવામાં આવતું હતું. તેમ છતાં કેટલાક કિસ્સામાં ગિરનાર પર્વત પર સતત વીજ પુરવઠો પૂરો પાડવામાં અનેક મુશ્કેલીઓ આવતી હતી.
નવી અંડરગ્રાઉન્ડ લાઈન :આ સમસ્યાને ધ્યાને રાખીને ઉર્જા વિભાગ દ્વારા આઝાદી બાદ પ્રથમ વખત ગિરનાર પર્વત પર અંડરગ્રાઉન્ડ વીજ પુરવઠાની લાઈન નાખવામાં આવી. છાસવારે થતા વીજ પ્રવાહના વિક્ષેપને દૂર કરીને 24 કલાક સતત વીજ પુરવઠો સમગ્ર ગિરનાર પર્વત પર જળવાઈ રહે તે માટે અંડરગ્રાઉન્ડ લાઈન ખૂબ મહત્વની બનશે. વધુમાં જંગલ વિસ્તાર હોવાને કારણે પણ ખુલ્લી વીજ લાઈન કોઈ આકસ્મિક અકસ્માતને પણ વણજોતું નોતરું આપી શકતી હતી, તેમાંથી પણ હવે નવી અંડર ગ્રાઉન્ડ વીજ લાઈનથી છુટકારો મળશે.
- જૂનાગઢના ખેલૈયાઓ આ જાણી લો, તંત્રએ બહાર પાડી ગાઇડલાઇન
- ગાંધીજીનો જૂનાગઢ સાથે અનોખો સંબંધ, વાંચો રાષ્ટ્રપિતાની જાણી-અજાણી વાતો