ગીર સોમનાથ :પાછલા એકાદ વર્ષથી સોમનાથમાં સરકારી જમીન પરના દબાણ હટાવવાને લઈને અભિયાન ચાલી રહ્યું છે. જે કડીમાં હવે પ્રભાસ પાટણના ભાલકા અને ભીડીયાની વચ્ચે આવેલી ગુજરાત મેરીટાઇમ બોર્ડની જમીન પર થયેલ દબાણ હટાવાયુ હતું. આ જમીન પર એક શખ્સે કબજો કરી અન્યને ભાડે આપી હતી.
સોમનાથમાં સરકારી જમીન પર દબાણ :સોમનાથ જિલ્લા કલેકટરના આદેશથી ભાલકા અને ભીડીયા વિસ્તારની વચ્ચે ગુજરાત મેરીટાઇમ બોર્ડની 3200 ચોરસ મીટર જમીન પર કરવામાં આવેલ દબાણ દૂર કરાયું છે, જેની આજના દિવસે બજાર કિંમત અંદાજે 4 કરોડ રૂપિયા છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓને સાથે રાખીને જિલ્લા વહીવટી તંત્રએ આ જમીન ખુલ્લી કરાવી છે.
કોણે કર્યો જમીન પર કબજો ?ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓની ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટર તંત્રએ દબાણની જમીન અંગે તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, જેમ્સ રોબર્ટ પીઆર નામની વ્યક્તિએ આ જમીન 40 હજાર રૂપિયામાં સિઝનલ ભાડા પેટે રાખી અને માછલી સૂકવવાનું કામ કરી રહ્યા હતા. તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ જમીન પર કિશોરભાઈ કુહાડા દ્વારા ગેરકાયદેસર કબજો કરીને તેને ભાડે આપવામાં આવી છે.
સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું (ETV Bharat Gujarat) ગુજરાત મેરીટાઇમ બોર્ડની જમીન :ગુજરાત મેરીટાઇમ બોર્ડની 3,200 ચોરસ મીટર જમીન પર કિશોર કુહાડા દ્વારા ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા જ મેરીટાઈમ બોર્ડના અધિકારીઓએ જિલ્લા કલેકટરને તેમના વિભાગ હસ્તકની જમીન ખુલ્લી કરવાને લઈને રિપોર્ટ સોંપ્યો હતો. બાદમાં આજે જિલ્લા કલેક્ટરના આદેશથી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું. આ જમીનને ભાડા આપી કમાણી કરવામાં આવી રહી હતી.
ચાર કરોડની બજાર કિંમત...
આ અંગે સોમનાથ જિલ્લા કલેક્ટર ડી. ડી. જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તેમના વિભાગની જમીન ખુલ્લી કરાવવા માટે સમગ્ર વિગતો તેમના ધ્યાન પર મૂકવામાં આવી હતી. ત્યારબાદ આજે અધિકારીઓનો કાફલો દબાણ વાળી જગ્યા પર પહોંચ્યો હતો. અહીં કામ કરી રહેલા વ્યક્તિઓ પાસેથી જમીનના દસ્તાવેજો ને લઈને કોઈ સચોટ પુરાવા ન મળતા સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.
ગેરકાયદેસર કબજેદાર કોણ ?કિશોરભાઈ કુહાડા ખારવા સમાજના અગ્રણી અને ભાજપના નેતા તરીકે આ વિસ્તારમાં નામ ધરાવે છે. અગાઉ તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડીરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા ભાજપના અગ્રણી નેતા સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર મામલો વેરાવળ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
- 'હરી અને હર'ની ભૂમિમાં ભૂમાફિયા બન્યા બેફામ, વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
- ગીર સોમનાથ પોલીસનું સફળ ઓપરેશન: દારૂ-બીયરના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા, 8 વોન્ટેડ