વલસાડ: વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણીનું આયોજન આવતીકાલે થશે. જે માટે પ્રચારના પડઘમો શાંત થયા છે. ચૂંટણી યોજવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ સાથે જ ઉમરગામ તાલુકાના ફણસા અને સરીગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તેમજ કપરાડા તાલુકામાં પણ ઘોટણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાશે.
વલસાડ નગરપાલિકા ચૂંટણી
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર, વલસાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તા.16 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાશે. વોર્ડ 1થી 11માં કુલ 44 બેઠકો પૈકી 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. બાકી રહેતી 37 બેઠકો માટે મતદાન થશે. આ ચૂંટણીમાં કુલ 98,467 મતદારો 100 મતદાન મથકો પર મતદાન કરશે, જેમાંથી 21 મતદાન મથકો સંવેદનશીલ છે. ચૂંટણી માટે 440 પોલિંગ સ્ટાફ અને 190 પોલીસ કર્મીઓની નિમણૂંક કરવામાં આવી છે. બેઠકો માટે કુલ 105 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 37, કોંગ્રેસના 27, આપના 4 અને અપક્ષ 37 ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પારડી નગરપાલિકા ચૂંટણી
પારડી નગરપાલિકામાં વોર્ડ 1થી 7ની કુલ 28 બેઠકો પૈકી એક બેઠક બિનહરીફ થઈ છે. બાકીની 27 બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. કુલ 24,149 મતદારો 32 મતદાન મથકો પર મતદાન કરશે, જેમાં 12 મતદાન મથકો સંવેદનશીલ છે. ચૂંટણી માટે 175 પોલિંગ સ્ટાફ અને 57 પોલીસ કર્મીઓની નિમણૂક કરાઈ છે. કુલ 58 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં ભાજપના 27, કોંગ્રેસના 26, આપના 1 અને અપક્ષ 4 ઉમેદવારો છે.
ધરમપુર નગરપાલિકા ચૂંટણી
ધરમપુર નગરપાલિકામાં વોર્ડ 1થી 6ની કુલ 24 બેઠકો માટે ચૂંટણી યોજાશે. કુલ 20,654 મતદારો 23 મતદાન મથકો પર મતદાન કરશે, જેમાંથી 5 મતદાન મથકો સંવેદનશીલ છે. ચૂંટણી માટે 125 પોલિંગ સ્ટાફ અને 50 પોલીસ કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ 49 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં ભાજપના 24, કોંગ્રેસના 17, આપના 4 અને અપક્ષ 4 ઉમેદવારો છે.
![વલસાડમાં ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/gj-vld-01-valsaddistrictgetsreadyformunicipalelections-avb-gj10047_15022025151253_1502f_1739612573_664.jpg)
સુરક્ષા વ્યવસ્થા
ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ પોલીસે વિવિધ કલમો હેઠળ 601 વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લીધાં છે. 7 વ્યક્તિઓને તડીપાર અને 6 વ્યક્તિઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં 452 પ્રોહિબિશન કેસમાં 72,973.67 લીટર દારૂ સહિત કુલ 3,71,39,969 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચૂંટણી બંદોબસ્ત માટે 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 332 પોલીસ, 428 હોમગાર્ડ અને 44 એસઆરપી જવાનોની ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે.
તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ
કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ બેઠકની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાશે. આ બેઠક માટે કુલ 7,123 મતદારો 10 મતદાન મથકો પર મતદાન કરશે, જેમાંથી 3 મતદાન મથકો સંવેદનશીલ છે. ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો - ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી મેદાનમાં છે. રાહોર, કાસટવેરી, પીપરોટી, ચીચપાડા, માની, બોરપાડા, ટોકરપાડા અને ઘોટણ ફળી ગામોના મતદારો મતદાન કરી શકશે. ચૂંટણી માટે 60 પોલિંગ સ્ટાફ અને 22 પોલીસ કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે.
ઉમરગામ તાલુકા પંચાયતની ફણસા-1 અને સરીગામ-2 બેઠકોની પેટા ચૂંટણી પણ 16 ફેબ્રુઆરીએ યોજાશે. ફણસા-1 બેઠક માટે 7,780 મતદારો 8 મતદાન મથકો પર મતદાન કરશે, જેમાંથી 2 મતદાન મથકો સંવેદનશીલ છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. સરીગામ-2 બેઠક માટે 6,671 મતદારો 6 મતદાન મથકો પર મતદાન કરશે, જેમાંથી 5 મતદાન મથકો સંવેદનશીલ છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. બંને બેઠકો માટે કુલ 90 પોલિંગ સ્ટાફ અને 27 પોલીસ કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે.
18 ફેબ્રુઆરીએ યોજાશે મતગણતરી
આમ વલસાડ જિલ્લામાં ત્રણ પાલિકા અને બે તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે. તમામની મત ગણતરી 18 ફેબ્રુઆરીના રોજ અલગ અલગ જગ્યા ઉપર યોજાશે. જેમાં વલસાડ પાલિકાની ચૂંટણીની ગણતરી બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતે પારડી નગરપાલિકાની મત ગણતરી ખાતે, ધરમપુર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી ત્રીજા માળે, ફણસા સરીગામ પેટા ચૂંટણીની મતગણતરી PI એમ શ્રી કુમારશાળા ઉમરગામ ખાતે, જ્યારે કપરાડાના તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની મત ગણતરી મામલતદાર કચેરીના સભાખંડ પ્રથમ માળ ખાતે યોજાશે.
આ પણ વાંચો: