અજમેરઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી શનિવારે પત્ની સાથે અજમેર પહોંચ્યા હતા અને ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં જિયારત કરી હતી. આ પ્રસંગે તેમણે મખમલની ચાદર અને પુષ્પો અર્પણ કર્યા હતા અને દેશની સમૃદ્ધિ અને પ્રગતિ માટે દુઆ માંગી હતી. આ દરમિયાન દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ જિયારત કરાવી અને તેમને તબરુકની ભેટ અર્પણ કરી હતી.
મળતી માહિતી મુજબ, ગૌતમ અદાણી ખાનગી વિમાન દ્વારા કિશનગઢ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ રોડ માર્ગે અજમેરની દરગાહ પહોંચ્યા હતા. મોડી સાંજે દરગાહ પહોંચ્યા બાદ તેમણે ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીના દરબારમાં હાજરી હાજરી આપી ચાદર ચઢાવી હતી. ઝિયારત દરમિયાન તેમણે દેશની સમૃદ્ધિ માટે દુઆ કરી હતી.
![દરગાહમાં દુઆ કરતા ગૌતમ અદાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/23551745_th.jpg)
બેગમી દલાનમાં સાંભળી કવ્વાલી: જિયારત બાદ ગૌતમ અદાણીએ દરગાહના બેગમી દલાનમાં બેસીને કવ્વાલી સાંભળી હતી. દરગાહ શરીફ આવતા યાત્રાળુઓ અચુક અહીં બેસીને કવ્વાલીની મજા માણે છે. આ દરમિયાન દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ તેમને તબરુક ભેટ કર્યું અને ખ્વાજા સાહેબના ઉપદેશો અને સૂફી પરંપરાના મહત્વ વિશે ચર્ચા કરી.
લગ્ન સમારોહમાં આપશે હાજરી : દરગાહ જિયારત બાદ ગૌતમ અદાણી અજમેરના મહાવીર સર્કલ વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપશે. આ સમારોહ તેમના કોઈ અંગત વ્યક્તિ સાથે સંબંધિત છે. સમારોહમાં ભાગ લીધા બાદ તેઓ રોડ માર્ગે કિશનગઢ એરપોર્ટ પરત ફરશે અને ત્યાંથી ખાનગી વિમાન દ્વારા રવાના થશે.