સુરત: ઉમરપાડા તાલુકામાં એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. સ્ટેટ હાઈવે નંબર 175 પર ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ યુવાન મિત્રોએ જીવ ગુમાવ્યો છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દુદલીવેર ગામના ત્રણ મિત્રો નારાયણ નવજીભાઈ વસાવા, રવિદાસ સજ્જનસિંગ વસાવા અને કિશોરભાઈ ટેડગીયાભાઈ વસાવા બાઈક પર સવાર થઈને ઉમરઝર ગામની સીમમાં વાડી ગામેથી કેવડી ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ઈકો કાર ચાલકે તેમની બાઈકને અડફેટે લીધી હતી, જેના કારણે ત્રણેય મિત્રોને ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતાં.
ત્રણ યુવાન મિત્રોના કમકમાટીભર્યા મોત
- નારાયણ નવજીભાઈ વસાવા (28)
- રવિદાસ સજ્જનસિંગ વસાવા (32)
- કિશોરભાઈ ટેડગીયાભાઈ વસાવા (20)
આ અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર થયેલા ઈકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવકોના પરિવારજનોમાં આક્રંદ વ્યાપી ગયો છે.
આ અંગે ઉમરપાડા પોલીસ મથકના પીઆઈ સી.બી.ચૌહાણે જણાવ્યું હતું કે, બાઇક અને ઈકો કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જેમાં બાઇક ચાલક ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયું છે. ઈકો કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.