ગાંધીનગરમાં અનેક ગેમિંગ ઝોનનું ચેકિંગ (Etv Bharat Gujarat) ગાંધીનગર: રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજ્યમાં "ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાડા મારવા" જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ સરકારે રાજ્યમાં ચાલતા તમામ ગેમ ઝોન બંધ કરવા માટે આદેશ આપ્યો છે. રાજ્ય પોલીસ વડાએ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ગેમિંગ ઝોન અને મોલમાં તપાસ કરવાના આદેશ આપ્યા છે.
આ તપાસ દરમિયાન કોઈ પણ સ્થળે સુરક્ષાને લઈને બેદરકારી જણાઈ તો સ્થાનિક પોલીસમાં ગુનો દાખલ કરવા માટે પણ સૂચના આપી છે. રાજ્યના પોલીસવડાની સુચના આધારે ફાયર બ્રિગેડને સાથે રાખીને પોલીસે તમામ ગેમ ઝોનમાં તપાસ શરૂ કરી છે. આ આદેશ અનુસાર ગાંધીનગરમાં પણ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ગેમ ઝોન બંધ કરાવવા નીકળી હતી.
રાજકોટમાં બનેલી ઘટનાની ગંભીરતાને લઈને ગાંધીનગરમાં ચાલતા ગેમ ઝોનમાં પોલીસ અને ફાયરે સ્થાનિક સ્ટાફની મદદથી તપાસ શરૂ કરી છે. રાજ્યમાં ઉનાળામાં બિલાડીના ટોપની માફક ફાટી નીકળતા ગેમ ઝોનમાં મોટાભાગના ગેમ ઝોન ફાયર એનઓસી અને જરૂરી સુરક્ષાની વ્યવસ્થા કર્યા વગર જ ધમધમે છે. ગમે ત્યારે ગેમ ઝોન ડેથ ઝોન બની શકે છે. ઉનાળામાં વેકેશનને કારણે આ ગેમ ઝોનમાં વધુ પડતો ધસારો રહે છે. ગાંધીનગરમાં મોટાભાગે મોલમાં અને રેસ્ટોરન્ટમાં ગેમ ઝોન કાર્યરત છે.
ગાંધીનગરના કુડાસણમાં આવેલા ગેમ ઝોનમાં પોલીસ અને ફાયરના અધિકારીઓ તપાસ માટે ગયા હતા, તકેદારીના પગલા રૂપે સંચાલકોએ ગેમ ઝોન રવિવારની સાંજથી જ બંધ કરી દીધો હતો. પોલીસ અને ફાયર અધિકારીઓએ ગેમ ઝોન સંચાલકો પાસે ફાયર એનઓસી, વીમો, ઈમરજન્સી ફાયર એક્સિડ સહિતની વ્યવસ્થા અને જરૂરી ડોક્યુમેન્ટ માંગ્યા હતા. આ ડોક્યુમેન્ટ લઈને ગેમ ઝોન તકેદારીના ભાગરૂપે હાલમાં બંધ કરાવવામાં આવ્યો છે.
- રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ: 28 લોકો ભડથું થયાં તે પહેલાના CCTV દ્રશ્યો આવ્યા સામે - Rajkot TRP Game Zone fire mishep
- રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને શું કહે છે ભાવનગરની જનતા ? જાણો જનતાની જુબાની - Rajkot Game Zone fire mishep