ગુજરાત

gujarat

ETV Bharat / state

મેડિકલ કોલેજમાં સરકારી નોકરી બહાને કરાઈ લાખોની છેતરપિંડી, બે આરોપીની ધરપકડ - FRAUD INCIDENT IN SELVAS

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સરકારી નોકરી અપાવવાના બહાને 120થી વધુ વિદ્યાર્થીઓ પાસે 3-3 લાખ રકમ ઉઘરાવી છેતરપિંડીની ઘટના સામે આવી છે.

સરકારી નોકરી અપાવવાના બહાને કરાઈ લાખોની છેતરપિંડી
સરકારી નોકરી અપાવવાના બહાને કરાઈ લાખોની છેતરપિંડી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2024, 10:43 AM IST

સેલવાસ:દાદરા નગર હવેલીમાં આવેલી નમો મેડિકલ કોલેજમાં MTS, ટેક્નિશયન, લેબ ઇન્ચાર્જ, અસિસ્ટન્સ ઓફિસર, સ્પોર્ટ્સ ઓફિસર જેવી નોકરીની લાલચ આપી વ્યક્તિ દીઠ 3 લાખ રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે દાદરા નગર હવેલીના સાયલી પોલીસ મથકે ભોગ બનનારાઓની રજુઆત બાદ 2 વ્યક્તિની અટકાયત કરી તપાસ હાથ ધરાઈ છે.

વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી:કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલી નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરી અપાવવાના બહાને 120થી વધુ વિદ્યાર્થીઓ પાસે વ્યક્તિદીઠ 3-3 લાખ જેવી રકમ ઉઘરાવી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સાયલી પોલીસે છેતરપિંડી કરનાર બે વ્યક્તિઓની અટકાયત કરી છે. હાલ આ મામલે સાયલી પોલીસ મથકના HSO જય પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ ફોન નહિ ઉપાડતા વધુ વિગતો મળી નથી. જ્યારે, દાદરા નગર હવેલીમાં પોલીસવડાની કચેરીમાં ટેલિફોનિક વાત કરતા ત્યાંના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ આ મામલે 2 વ્યક્તિઓની અટકાયત કરી છે. અને તપાસ ચાલુ છે. જે પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા તમામ વિગતો પ્રેસનોટ દ્વારા આપવામાં આવશે.

સરકારી નોકરી અપાવવાના બહાને કરાઈ લાખોની છેતરપિંડી (Etv Bharat Gujarat)

સરકારી નોકરી અપાવવાના નામે કરી ઠગાઈ: જો કે, આ છેતરપિંડીનો ભોગ બનનાર ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામના યુવાન વત્સલ કહાર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીના અને ગુજરાતના સરકારી નોકરી મેળવવા માંગતા યુવક-યુવતીઓનો મહારાષ્ટ્રના કમલેશ જગાડે અને સેલવાસના નરોલીમાં રહેતા દિપેશ પટેલે સંપર્ક કર્યો હતો. જેઓએ હાલમાં જ દાદરા નગર હવેલીમાં આવેલી નમો મેડિકલ કોલેજમાં ST/SC યુવાનો માટે સરકારી નોકરીની વેકેન્સી ઉભી થઇ હોવાનું જણાવ્યું હતું. આ નોકરી અન્ય વર્ગના લોકો લેવા માંગતા હોય તો તે 3 લાખ રૂપિયા ભરી આ નોકરી લઇ શકે છે.

ચેક (Etv Bharat Gujarat)

વિદ્યાર્થીઓ પાસે 3-3 લાખ રૂપિયા પડાવ્યા: જેથી વત્સલ કહારે 3 લાખ રૂપિયા આ બેલડીને આપતા તેઓએ તેને નમો મેડિકલ કોલેજના નકલી ફોર્મ, આઈકાર્ડ, TDS ફોર્મ આપ્યા હતાં. જે મેળવી આ યુવાન નોકરી મળશે. તેવી આશાએ હતો. જે દરમ્યાન ગામના અને આસપાસના અન્ય યુવાનોએ પણ 3-3 લાખ રૂપિયા સરકારી નોકરી મેળવવા આપ્યા હતાં. જો કે, તે બાદ તેમને નોકરીની ટ્રેનિંગ આપવાના બહાને ગોવા અને લદાખની ટ્રીપ કરાવી હતી. પૈસા ભર્યા બાદ અને ટ્રેનિંગના નામે અલગ અલગ રાજ્યમાં લઈ ગયા બાદ પણ નોકરી નહિં મળતા કેટલાક યુવાનોએ કમલેશ અને દિપેશ સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. અને પૈસાની પરત માંગણી કરી હતી. જેથી તેઓને ચેક આપવામાં આવ્યાં હતા. પરંતુ બેંકમાં ચેકથી પેમેન્ટ ઉપાડવા જતા જાણ થઈ કે પેમેન્ટ સ્ટોપ કરવામાં આવ્યું છે.

સરકારી નોકરી માટેનું ફોર્મ (Etv Bharat Gujarat)

છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો: જે દરમિયાન અન્ય યુવાનોને પોતાના જાશામાં લઇ કમલેશ અને દિપેશ બંને સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમાં નિવેશકોના મેડિકલ રિપોર્ટ બનાવી રહ્યા હતા. તે સમયે ત્યાં નોકરી પર તૈનાત પોલીસ કર્મચારીઓને શંકા જતા પોલીસે બંને એજન્ટોની પૂછપરછ કરી અને વધુ શંકા જતા બંનેને પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા. જે અંગેની જાણકારી મળતા ભોગ બનેલા યુવાનો પણ તેમના વાલીઓ સાથે પોલીસ મથકે એકઠા થયા હતા. અને પોલીસને રજુઆત કરતા સાયલી નમો મેડિકલ કોલેજના નામે થયેલી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.

દસ્તાવેજ (Etv Bharat Gujarat)

હાલ આ સમગ્ર ઘટના મામલે સાયલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો, સરકારી નોકરીના બહાને છેતરપિંડીનો ભોગ બનનારાઓએ પણ જે પૈસા ફસાયા છે એ પરત મળે એના માટે પોલીસ ફરિયાદ આપવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરી અપાવવાના બહાને આ એજન્ટોએ અંદાજીત 120 થી વધુ યુવાનો સાથે છેતરપિંડી કરી છે. જેમના દરેક વ્યક્તિને MTS, ટેક્નિશયન, લેબ ઇન્ચાર્જ, અસિસ્ટન્સ ઓફિસર, સ્પોર્ટ્સ ઓફિસર જેવી નોકરીની લાલચ આપી વ્યક્તિ દીઠ 3 લાખ રૂપિયા ઉઘરાવ્યાં છે. જેમાં ભોગ બનનારાઓનો વિશ્વાસ જીતવા નમો મેડિકલ કોલેજના નામે નકલી ફોર્મ, આઈકાર્ડ, TDS ફોર્મ આપ્યા હતાં.

આ પણ વાંચો:

  1. BZ ગ્રુપ કૌભાંડ: ખેડામાં બે એજન્ટોએ લોકોના લાખો રૂપિયા ડુબાડ્યા, હાલ બંને એજન્ટ ભૂગર્ભમાં
  2. 6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી

ABOUT THE AUTHOR

...view details