નવસારીઃ"આદિવાસી વિદ્યાર્થીઓ UGC માન્યતા તેમજ એફિલીએશન ધરાવતી શૈક્ષણિક સંસ્થાની ખરાઈ કરીને જ એડમિશન લે એવી કરી અપીલ." માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા વિના ચાલતી શૈક્ષણિક હાટડીઓ સામે આજે રાજ્યના આદિજાતિ મંત્રીએ લાલ આંખ કરી હતી. સુરતમાં મા કમલા મેડિકલ સેન્ટર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપીંડી કરી હોવાનું ધ્યાને આવતા તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની આદિજાતિ વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી હોવાનું સુરખાઈ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરમાં હાજર રહેલા મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું. તેમણે આવી ફ્રોડ શૈક્ષણિક સંસ્થાઓને શોધી તેમની સામે પણ પગલાં લેવાની તૈયારી દર્શાવી હતી.
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા નવસારીના સુરખાઈ ખાતે રાષ્ટ્રીય આદીવાસી ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના લોકાર્પણ પ્રસંગે રાજ્યના શિક્ષણ ઉપરાંત આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર અને લોકસભાના દંડક તથા વલસાડના સાંસદ ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી મંત્રીએ આપી હતી.
તેમણે કહ્યું કે, અગાઉની કોંગ્રેસ સરકારમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે વિચારવા પડતું હતું. કારણ કે, એમની આર્થિક સ્થિતિ નબળી હતી. પરંતુ આજે ભાજપ સરકારમાં આદિવાસી બાળકોને મેડિકલથી લઈ ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી શીપ કાર્ડ થકી આર્થિક સહાય આપવામાં આવે છે, સાથે જ પાયાનું શિક્ષણ પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. આદિવાસી બાળકો ઘણીવાર ફ્રોડ શૈક્ષણિક સંસ્થાઓના સંપર્કમાં આવી જતા તેમનું ભવિષ્ય મુશ્કેલીમાં મુકાતું હોય, એવી માહિતી સુરતની મા કમલા મેડિકલ સેન્ટરમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓએ ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરી ત્યારે જાણવા મળ્યું. જેથી આદિજાતિ વિભાગે એમાં તપાસ કરતા દીપક ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ જે 7313 નંબરથી રજીસ્ટર થયું છે અને મા કમલા મેડિકલ સેન્ટર ચલાવે છે. જેની સુરત, તાપી, નર્મદા રાજપીપળા, કર્ણાટક અને બેંગલોરમાં પણ શાખાઓ છે. પરંતુ આ મેડિકલ સેન્ટર UGC પ્રમાણિત નથી અને કોઈ યુનિવર્સિટી સાથે એફિલીએશન પણ ધરાવતું નથી. જેથી આજે સમાજ સમક્ષ આ મુદ્દો મૂક્યો છે.
તેમણે એવું પણ કહ્યું કે, આદિજાતિ વિભાગ અને આદિવાસી સમાજ આ સંસ્થા સામે કાયદાકીય કાર્યવાહી કરશે. તેમજ આ પ્રકારે આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરતી શૈક્ષણિક સંસ્થાઓને શોધીને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આદિજાતિ મંત્રીએ આપી હતી. જ્યારે આદિવાસીઓના હક્ક અધિકારની વાતો કરી હતી. આદિવાસીઓને વિરોધની રાજનીતિ શીખવનારાઓને વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલે હક્ક અધિકાર આગળથી જ આદિવાસીઓને મળ્યા છે. હવે આદિવાસીઓને વિરોધ નહીં, પરંતુ વિકાસના પંથે લઈ જવાની જરૂર છે તેવું કહેતા 2027 માં વાંસદામાં ભાજપના ધારાસભ્ય હશેની આશા વ્યક્ત કરી હતી.
- નગ્ન ચશ્મા, જાદુઈ શંખ, નકલી હીરા, હનીટ્રેપ, સોનું વેચવા અને અપહરણના અનેક ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાયા, જાણો મામલો
- સુરતમાં નોનવેજ ખાવા ભેગી થયેલી મહિલાઓમાંથી 20 થઈ ગઈ અચાનક બેભાન, ઘટના CCTVમાં કેદ થઈ