ખેડા :સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની ભક્તિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. રણછોડરાયજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો, જેમાં ભગવાને રત્નજડિત મુગટ ધારણ કર્યો હતો. વહેલી સવારથી જ રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં હતા. ભગવાનના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
યાત્રાધામ ડાકોરમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી (ETV Bharat Gujarat) ઠાકોરજીએ રત્નજડિત મુગટ ધારણ કર્યો : આજે કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીએ ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ ભગવાન રણછોડરાયજીને કીમતી રત્નજડિત મુગટ ધરાવાયો હતો. ભગવાનના દિવ્ય સ્વરૂપ અને ભવ્ય શણગારના દર્શન કરી ભાવિકોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. ધોળી ધજા તેમજ તુલસીના ક્યારા સાથે મોટી સંખ્યામાં દર્શને પહોંચેલા ભાવિકોના જય રણછોડ માખણ ચોરના નારાથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
દ્વારકાથી ડાકોર પધાર્યા ભગવાન :ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ સંવત 1212 માં કાર્તિક પૂર્ણિમાએ ભગવાન દ્વારકાધીશ દ્વારકાથી ડાકોર પધાર્યા હતા, જેને આજે 868 વર્ષ પૂર્ણ થયા છે. ભક્તની ભક્તિથી પ્રેરાઈને ભગવાન બળદગાડામાં બેસીને ડાકોર આવ્યા હતા. જેનો આજે 869 માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે.
રણછોડરાયજીએ રત્નજડિત મુગટ ધારણ કર્યો (ETV Bharat Gujarat) પૂનમના દર્શનનું વિશેષ મહત્વ :યાત્રાધામ ડાકોર ખાતે પૂનમના દિવસે રાજાધિરાજ રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા છે, જેને લઈ વહેલી સવારે મંદિર ખુલવા સાથે જ મોટી સંખ્યામાં ભાવિકો ઠાકોરજીના દર્શન માટે ઉમટે છે. પૂનમે ભાવિકો મોટી સંખ્યામાં દર્શને આવતા હોવાથી ભાવિકોની સુવિધા માટે મંદિર કમિટી દ્વારા દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમા ડાકોર ખાતે મોટી ગણાતી ત્રણ મુખ્ય પૂનમમાંથી એક હોવાથી ભાવિકોનો મહેરામણ ઉમટયો હતો.
ભગવાનને તુલસી અર્પણ :ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારી સંજય ભાઈ સેવકે જણાવ્યું હતું કે, વિક્રમ સંવત 1212 માં બોડાણા ભકતની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન ડાકોર પધાર્યા, જેને 868 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારથી ભાવિક ભક્તો ડાકોરના મંદિરે ભગવાનના દર્શને આવી અને મંદિરે ધજા અર્પણ કરે છે. જેમ બોડાણા દ્વારકા તુલસી લઈને જતા તેવી રીતે ભક્તો પણ ભગવાનને તુલસી અર્પણ કરવા તુલસીના કુંડ લઈને આવે છે.
- મા અંબાના આંગણે કિંજલ દવેએ કહ્યું "હું સૌભાગ્યશાળી છું"
- ડાકોરના ઠાકોરનો અન્નકૂટ લૂંટાયો, લૂંટની અનોખી પરંપરા