રાજકોટ: શહેરમાં થોડા દિવસો પહેલા વિધાનસભા ક્ષેત્ર 69 તેમજ વોર્ડ નંબર 2 માં આવતી કેટલીક સોસાયટીના સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને અશાંતધારા લાગુ કરેલા વિસ્તારમાં અશાંતધારાના નિયમોનો ભંગ થઈ રહ્યો છે. તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા અલકાપુરી સોસાયટી, સુભાષ નગર, ધ્રુવ નગર, વિમલ નગર સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
3 જેટલા મકાનોમાં જાહેરનામાનો ભંગ: તંત્રને 13 જેટલા મકાનોમાં જાહેરનામાનો ભંગ થતો હોય તે પ્રકારની રજૂઆત મળી હતી. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા 13 જેટલા મકાનોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતા 3 જેટલા મકાનોમાં જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે.
જાહેરનાંમાના ભંગ અંતર્ગત પોલીસ ફરિયાદ: સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને મકાન ભાડે આપતા પહેલા મકાન માલિક દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનને મકાન ભાડે આપ્યા બાબતે જાણ કરવાની રહેતી હોય છે. પરંતુ ત્રણ જેટલા મકાન માલિકો દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં ન આવતા શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ આગામી સમયમાં પણ પોલીસ દ્વારા સતત અશાંતધારો જે વિસ્તારોમાં લાગુ હોય તેમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 2 માં આવેલી અનેક સોસાયટીમાં અશાંતધારો લાગુ છે. પરંતુ ઘણી જગ્યાએ અશાંતધારાના નિયમોમાં છેડછાડ કરી મિલકત લે વેચની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવતી હોય છે.
રાજકોટ એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે,' ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અશાંતધારા વિસ્તારમાં અશાંતધારા કાયદાનો ભંગ થતો હોય તેવી રજૂઆત કરવામાં આવી હતી. એ બાબતને ધ્યાનમાં રાખીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ બનાવવામાં આવી હતી. જેમાં પીએસઆઈ અને તેમની સાથેના કર્મચારીઓએ મળીને અશાંતધારા વિસ્તારમાં જે ઘરની ફરિયાદ મળી હતી તેવા 13 ઘરોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં જાહેરનાંમાનો ભંગ થયો છે. પોલીસ કમિશનર સાહેબનું જાહેરનાંમુ છે કે જે કોઈપણ ભાડુઆને મકાન ભાડે આપતા વખતે તેની નોંધણી કરાવવાની હોય છે. અને જેણે આ જાહેરનાંમાનો ભંગ કર્યો છે તેમના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આવા ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને હજુ પણ આવનારા દિવસોમાં ટીમ દ્વારા ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. ગાંધીગ્રામ વિસ્તારમાં અલકાપુરી સોસાયટી, સુભાષ નગર, ધ્રુવ નગર, વિમલ નગર જેવા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 13 ઘરોની તપાસમાંથી ત્રણ ઘરોમાં જાહેરનાંમાનો ભંગ થતો હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: