બનાસકાંઠા: સાંસદ ગેનીબેન ઠાકોરે પાલનપુર એરોમા સર્કલ પર એલિવેટેડ બ્રિજ કે અંડરપાસ બનાવવા માટે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે માંગ કરી હતી. પાલનપુર એરોમા સર્કલના વર્ષોના ટ્રાફિક સમસ્યાના પ્રશ્નને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરીને મળીને રજૂઆત કરી કે, નેશનલ હાઈવે પાલનપુર શહેર વચ્ચેથી પસાર થાય છે જે કચ્છના કંડલા અને રાજસ્થાનના જયપુર થઈ દિલ્હીને જોડતો મુખ્ય નેશનલ હાઈવે છે. જેના કારણે રાતદિવસ નેશનલ હાઈવે પર ભારે વાહનોનો ઘસારો રહે છે. જેથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. વર્ષોથી આ પ્રશ્નને કારણે પાલનપુર શહેરના નગરજનો મુશ્કેલી વેઠી રહ્યાં છે.
પાલનપુર શહેરમાં સૌથી વધુ ટ્રાફિકનો પ્રશ્ન સળગતો રહ્યો છે. એરોમાં સર્કલ ઉપર ચારે તરફથી વાહનોનો ભારે ઘસારો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ટ્રાફિક પોલીસ માટે પણ પડકાર સમાન બની છે. આ અંગે જિલ્લા વહીવટી અધિકારીઓની બેઠકમાં એરોમાં સર્કલથી બિહારીબાગ સુધી એલિવેટેડ બ્રિજ કે અંડરપાસ બનાવવા માટેની જરૂરિયાત હોવાની રજૂઆત કરાઈ છે.

સાંસદ ગેનીબેન ઠાકોરે મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરીને તેમને રૂબરૂ આવેદનપત્ર પણ આપ્યું છે. જેમાં પાલનપુર શહેરના પ્રાણ પ્રશ્ન એવા ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે રજૂઆત કરાઈ છે અને એરોમાં સર્કલથી બિહારીબાગ સુધી એલિવેટેડ બ્રિજ કે અંડરપાસ બનાવવા માટે જે-તે વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપવા માટે પણ માંગ કરી છે.


નગરજનો પણ ઈચ્છી રહ્યાં છે કે, ટ્રાફિક સમમસ્યામાંથી જલ્દી મુક્તિ મળે. પરિણામે તંત્ર દ્વારા ચારેય તરફના રોડ રસ્તા પહોળા કરી ટ્રાફિક સમસ્યાના નિવારવા માટે પ્રયાસ હાથ ધરાયા છે, પરંતુ ટ્રાફિક સમસ્યાનો અંત હજુ સુધી આવ્યો નથી. ત્યારે હવે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ એરોમાં સર્કલના ટ્રાફિકના પ્રશ્નને લઈ રજૂઆત કરી છે.
આ પણ વાંચો: