જૂનાગઢઃ રાજ્ય અને કેન્દ્ર સરકારનું વર્ષ 2024-25નું બજેટ ફેબ્રુઆરી મહિનામાં આવી રહ્યું છે. આ બજેટ અનુલક્ષીને સૌરાષ્ટ્રની ફિશિંગ ઈન્ડસ્ટ્રીને બહુ આશા અપેક્ષાઓ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં સ્થાનિક રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત માછીમારી ઉદ્યોગ છે. ઓખાથી લઈ દીવ સુધીનો આ દરિયા કિનારો માછીમારી ઉદ્યોગ થકી સ્થાનિક રોજગારીનું નિર્માણ કરી રહ્યો છે. એવામાં ચૂંટણીના વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું આવનારુ બજેટ ખાસ કરીને માછીમારો અને ફિશિંગ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ સારું નીવડે તેવી આશા સેવવામાં આવી રહી છે.
અનેક સમસ્યાઓઃ વર્ષો પૂર્વે માછીમારોની સીઝન 8થી 9 મહિના ગણાતી હતી. આ દરમિયાન માછીમારો અને ઉદ્યોગકારો ખૂબ સારું કમાતા હતા પરંતુ હવે આ સીઝન અઢીથી ત્રણ મહિના સુધી મર્યાદિત બની હોવાથી ઉદ્યોગ મૃતપાય બની રહ્યો છે. પાછલા વર્ષોની સરખામણીએ માછીમારોને જે ડીઝલની સબસીડી આપવામાં આવતી હતી તે પાછલા પાંચ સાત વર્ષથી સદંતર બંધ છે. જેને કારણે માછીમારો અને ખાસ કરીને બોટના માલિકોને ખૂબ જ મોટું રોકાણ કરવું પડી રહ્યું છે. બીજી તરફ જે રીતે આંધ્ર પ્રદેશમાં માછીમારોને 2 મહિના દરમિયાન બેકારી ભથ્થું વર્ષોથી અપાય છે તેજ પ્રમાણે ગુજરાતના માછીમારોને પણ બેકારી ભથ્થું આપવાની કોઈ જોગવાઈ બજેટમાં થાય તેવી માંગ પણ માછીમાર ઉદ્યોગકારો કરી રહ્યા છે.
પરંપરાગત માછીમારોની ઓળખઃ આગામી નાણાકીય અંદાજપત્રમાં પરંપરાગત માછીમારોની ઓળખ થઈ તે માટે માછીમારોની નવી વ્યાખ્યા કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. માછીમાર એક વ્યવસાય છે ઉદ્યોગ નથી પરંતુ કેટલાક લોકો માછીમારી વ્યવસાયમાં ઉદ્યોગ સમજીને પડ્યા છે. આવા તમામ બિન પરંપરાગત માછીમારોને ઓળખ કરીને તેને માછીમારોની વ્યાખ્યામાંથી દૂર કરવામાં આવે તો પણ પરંપરાગત માછીમારોને ખૂબ ફાયદો થઈ શકે છે. વધુમાં પાછલા 30થી 40 વર્ષ દરમિયાન ગુજરાતના એક પણ બંદરમાં વિકાસ થયો નથી. જો માંગરોળ, વેરાવળ, માઢવડ, પોરબંદર, નવાબંદર અને સુત્રાપાડા બંદરનું વિસ્તૃતિકરણ થાય તો પણ માછીમાર ઉદ્યોગને એક નવી રાહ મળે તેમ છે. તેમજ બોટ્સની સંખ્યા અગાઉ કરતા 10 ગણી વધી રહી છે તેથી બંદરોનો વિકાસ થાય તો જ બોટ્સના વધુ સંખ્યાની સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે.
પાકિસ્તાન બોટ્સ પરત કરે તેવી માંગણીઃ પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો ને છોડાવવા માટે તેમજ પાકિસ્તાન દ્વારા તેમના પાસેથી કબજે લેવામાં આવેલી બોટને માછીમારો છુટતાની સાથે જ તેને પરત કરવામાં આવે તેવી કોઈ યોજના આગામી નાણાકીય વર્ષમાં કેન્દ્ર અને રાજ્યની સરકાર બનાવે તેવી માંગ પણ માછીમાર ઉદ્યોગકારો કરી રહ્યા છે.