યૂક્રેને કરેલા ડ્રોન હુમલામાં મોતને ભેટેલા સુરતના યુવાનનો મૃતદેહ 25 દિવસ બાદ ઘરે પહોંચ્યો સુરત:મૂળ ભાવનગરના વતની અને સુરતના શિવ બંગલોમાં રહેતા અશ્વિનભાઈ માંગુકિયાનો પુત્ર 23 વર્ષીય હેમિલ 23 ડિસેમ્બરે રશિયન આર્મીમાં હેલ્પર તરીકેની નોકરી કરવા ગયો હતો. 21 ફેબ્રુઆરીએ યૂક્રેનની સરહદ પાસે એક ડ્રોન મિસાઇલ હુમલામાં હેમિલ માંગુકિયાનું મોત થયું હતું. માંગુકિયા પરિવાર તેમના લાડકવાયાના અંતિમદર્શન માટે સતત વલોપાત કરતું રહ્યું. હેમિલના અંતિમ દર્શન માટે તરસતા માંગુકિયા પરિવારના વાલીઓ રશિયા- મોસ્કો સુધી પહોંચ્યા હતા.
પરિવારે મૃતદેહ માટે 25 દિવસ રાહ જોઈ:ઘણા અરમાનો સાથે દીકરા હેમિલને વિદેશ જવા વિદાય આપી ત્યારે કલ્પના પણ ન હતી કે દીકરો આ રીતે પાછો આવશે. સતત પચ્ચીસ પચ્ચીસ દિવસ સુધી માંગુકિયા પરિવાર રાહ જોતો હતો. અંતે 25 દિવસો બાદ દિલ્હી થઈને હવાઈમાર્ગે સુરત એરપોર્ટ ઉપર ગતરોજ હેમિલનો મૃતદેહ આવી પહોંચ્યો હતો. હેમિલનો મૃતદેહ ગતરોજ સુરત પહોંચતા જ વાતાવરણમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. મૃતદેહને સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. આજ રોજ સવારે હેમિલની અંતિમવિધિ થઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોણ કોને સંભાળે એ ખ્યાલ આવતો ન હતો. છેલ્લા 25 દિવસથી હેમિલની માતા ભગવતીબેનની હાલત ખૂબ જ દયનીય બની છે.
હેમિલની માતાએ ચોધાર રડતાં જણાવ્યું હતું કે જુવાનજોધ હેમિલ જેવા દીકરાઓને વિદેશ લઇ જતાં એજન્ટો ગેરમાર્ગે દોરીને લઇ જાય નહીં, નોકરી કરવા લઇ જવાના બહાને હેમિલને યુદ્ધના મેદાનમાં મોકલી દઇને મોતના ખપ્પરમાં હોમી દીધો છે. મારા દીકરાને સાજો સારો પાછો લાવો... આ વિલાપની કોઈ સાંત્વના નથી. સતત અને સતત હેમિલને યાદ કરીને તેની માતા આંસુ સારી રહી છે.
હેમિલને તો કેનેડા- પોલેન્ડ જવું હતું પણ સફળતા ન મળી:વિદેશની ધરતી પર પહોંચી માંગુકિયા પરિવારનું નામ પોતાના દમ પર રોશન કરવું એ સપનું બાળપણથી જોતાં હેમિલે અગાઉ કેનેડા અને પોલેન્ડમાં સેટલ થવા વિઝા પ્રોસેસ કરી હતી. પરંતુ તેને સફળતા મળી ન હતી, જાણે મોત જ હેમિલને ત્યાં ખેંચી ગયું હોય એમ ડિસેમ્બર 23માં રશિયા આર્મી હેલ્પર તરીક એજન્ટની મદદથી જોડાયો. પરિવારને હવે એ જ વાતનો વસવસો છે કે એ સમયે કેનેડા કે પોલેન્ડમાં ગયો હોત તો આજે હેમિલ અમારી નજરો સામે હસતો રમતો હોત.
- Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ચાર ઈજાગ્રસ્ત, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ તાત્કાલિક બેઠક બોલાવી
- Surat: ગુજરાત અને રાજસ્થાનમાંથી પસાર થનાર IOCની પાઇપલાઇનમાંથી 20 કરોડ રૂપિયાના ક્રૂડ ઓઇલની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા