તાપી: સમાજમાં દેખાદેખીને લઈ કેટલાય પરિવારો દેવું કરીને ધૂમધામથી લગ્ન કરતા હોય છે, અને કેટલાક કિસ્સાઓમાં આવા પરિવારો અટવાઈ જવાના બનાવો પણ બનતા હોય છે. જેઓને દાખલો બેસાડવા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના વાંકલા ગામે 18મો સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં 6 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં મંડ્યા હતા.
18 વર્ષથી યોજાય છે સમુહ લગ્ન
કથાકાર નિલેશબાપુની આગેવાનીમાં છેલ્લા 18 વર્ષથી આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વાંકલા ગામમાં આદિવાસી દીકરા-દીકરીઓના સમૂહ લગ્ન દાતાઓના સહકારથી હિન્દુ વિધિ વિધાન પ્રમાણે દર વર્ષે થાય છે. જેમાં નવ દંપતીને ઘરવખરી સહિતની સામગ્રીઓ દાતાઓ દ્વારા નિરમૂલ્યે આપી પગભર કરવાની કોશિશ કરાય છે. આ સમૂહ લગ્નનો ઉદેશ્ય લગ્ન પાછળ થતા ખોટા ખર્ચ અટકાવવાની સાથે ગરીબ દીકરીઓનું કન્યાદાન કરી નવદંપતિ અને તેમના પરિવાજનોને મદદરૂપ થવાનો છે. જેમાં ખુબજ ઉત્સાહથી દંપતિના સંબંધીઓ આવી નવદંપતિને આશીર્વાદ આપે છે.
3 હજાર લોકોને જમાડ્યા
આ સમૂહ લગ્નમાં ત્રણ હજાર જેટલા લોકોને જમાડવામાં આવ્યા હતા, સાથે સાથે સ્થાનિક આગેવાનો સહિત જાનૈયા અને દુલ્હન પક્ષ તરફથી પણ મોટી સંખ્યામાં લોકો આ સમૂહ લગ્નમાં જોડાયા હતા અને સમૂહ લગ્નના આયોજકો દ્વારા કન્યાદાનમાં વાસણ, કબાટ, પલંગ, બેગ, ટીપોય જેવી ઘરવખરીની સામગ્રીઓ આપવામાં આવી હતી.
ગરીબ પરિવારની દીકરીઓના ધામધૂમથી લગ્ન
સમૂહ લગ્ન દ્વારા આદિવાસી ગરીબ પરિવારની છોકરીઓને ધામધૂમથી પરણવામાં આવે છે, અને તેના પિતા પર દેવાનો બોજો ન પડે અને દીકરી સાથે સાથે તેના પરિવારજનો પણ ખુશીથી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. સમાજમાં લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચા બંધ થાય તેને વેગ આપવામાં આવે તો કેટલાક પરિવારો દેવામાં ફસાતા બચી શકે છે.
2007થી સમુહ લગ્નનું આયોજન
કથાકાર અને આયોજક નિલેશ બાપુએ જણાવ્યું હતું કે, વકલાના આશ્રમ ખાતે 18 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 2007 થી અમે આ સમુહ લગ્નની શરૂઆત કરી છે. દરેક સમુહ લગ્નમાં અમે છ કન્યાના લગ્ન કરીએ છીએ. આદિવાસી વિભાગમાં ભગવાને એમને આ તક આપી છે. ત્યારે આ દીકરીઓ મારી દીકરીઓ છે, તેવા ભાવથી અમે લગ્ન કરાવીએ છીએ. જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ અમે અહીંથી આપીએ છીએ.
આ પણ વાંચો: