જૂનાગઢ: આજે રાષ્ટ્રીય પક્ષી દિવસ છે અને ગુજરાતમાં જૈવ વિવિધતા માટે ગીર અને ગિરનાર પર્વત આજે પણ વિશ્વના પર્યટકો અને પક્ષીવિદો માટે આદર્શ સ્થળ બની રહ્યું છે. ગીર અને ગિરનાર આજે પણ 450 કરતા વધારે પ્રજાતિઓના પક્ષીને સાચવણી અને જાળવણી કરવાનું બહુમાન ધરાવે છે. સલીમ અલીના શબ્દોમાં કહીએ તો, 'જો ગીરમાં સાવજ ન હોત તો આજે ગીર 'પક્ષી અભયારણ્ય' તરીકે સમગ્ર વિશ્વના લોકોને આકર્ષિત કરતું જોવા મળ્યું હોત.'
આજે છે રાષ્ટ્રીય પક્ષી દિવસ: આજે ગીર એશિયામાં એકમાત્ર જોવા મળતા સિંહો માટે પ્રસિદ્ધ છે. પરંતુ ગીર અને ગિરનારમાં આજે પણ 450 કરતા વધારે જાતના પક્ષીઓ પણ અસ્તિત્વ ધરાવે છે. આટલી મોટી સંખ્યામાં પક્ષીઓને સાચવીને તમામ પ્રજાતિને આગળ વધારવામાં ગીર અને ગિરનાર આજે સૌથી મહત્વના સ્થળો તરીકે યાદ કરવામાં આવે છે.
ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ સલીમ અલી કે જેમને બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, તેઓ એવું માનતા હતા કે, જો ગીરમાં સાવજો ન હોત તો પણ આજે ગીર સમગ્ર વિશ્વમાં 'પક્ષી અભયારણ્ય' તરીકે ખૂબ જ જાણીતું અને માનીતુ હોત. ગીરમાં આજે લોકો સિંહને જોવા માટે આવે છે, પરંતુ વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાંથી ગીરની મુલાકાતે આવતા પક્ષીવિદોનું મુલાકાત પાછળનું કારણ અને તેમનો એક માત્ર ધ્યેય ગીરમાં જોવા મળતા પક્ષીઓ છે. પક્ષીઓની રીત ભાતની સાથે આ પક્ષીઓની વર્તણૂકના અભ્યાસ માટે પણ પક્ષીવિદો આજે ગીર અને ગિરનારને ભૂલી શકતા નથી.
ગીરના જંગલમાં જોવા મળતા વિવિધ પક્ષીઓ: આજે ગીરને ભલે એશિયાટિક સિંહો માટે યાદ રાખવામાં આવતું હોય, પરંતુ આજે પણ ગીરનું જંગલ પક્ષીઓના રજવાડાથી જરા પણ ઓછું નથી. ગીર અને ગિરનારમાં નવરંગ, વોટર રેઈલ, યલો બ્રિટન, વર્ડિટર, ઇન્ડિયન બ્લેક બર્ડ, બ્રાઉન ઓઉલ, કિંગ ફિશર, ઇન્ડિયન પીટા, બેશરા, લાવરી, કાળા માથાવાળો કલકલિયો સહિત અનેક સ્થાનિક અને દુર્લભ 450 કરતા પણ વધુ પક્ષીઓનું રજવાડું ગીરમાં સદીઓથી જળવાયેલું જોવા મળે છે.
આ પક્ષીઓને જોવા માટે જૂનાગઢના પક્ષીવિદો આજે પણ પોતાની વ્યસ્તતાની વચ્ચેથી સમય કાઢીને છેલ્લા 20 વર્ષથી સતત પક્ષી જોવાનો અભ્યાસ કરવાની સાથે પક્ષીઓની વર્તણૂક, તેની ખોરાક ગ્રહણ કરવાની આદતો, કઈ ઋતુમાં કયા વિસ્તારમાં વિશેષ પક્ષી જોવા મળે છે, પક્ષીઓ સાથે જોડાયેલી તેની પ્રજનનની અનેક નાની-મોટી બાબતોને નિહાળવા માટે આવતા હોય છે. આ કાર્ય માટે તેઓ પહેલા દૂરબીન પછી બાઈનોક્યુલર અને આજે DSLR કેમેરાનો ઉપયોગ કરી તેના દ્વારા રેકોર્ડ કરીને ગીર અને ગિરનારના પક્ષીના રજવાડાને સાચવવા માટે મનોમંથન પણ કરી રહ્યા છે.
આધુનિકતા પક્ષીઓ માટે નુકસાનકારક: આધુનિક યુગમાં થઈ રહેલા મોટા બદલાવ પક્ષીઓને તેમ પણ ખાસ કરીને યાયાવર પક્ષીઓ માટે ખૂબ નુકસાનકારક બની રહ્યા છે. મોબાઇલના સતત વધતા જતા નેટવર્કની વચ્ચે હવે મહાકાય સોલાર પાર્ક પણ બની રહ્યા છે. દર વર્ષે શિયાળા દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં રશિયા, સાઇબેરીયા અને ખૂબ જ ઠંડા પ્રદેશમાંથી આવતા પક્ષીઓ માટે વીજળીનું ઉત્પાદન અને મોબાઇલ નેટવર્કના ટાવરો ખૂબ નુકસાનકારક માનવામાં આવે છે. જેને કારણે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓના તળાવને અસર થતાં જીવોનું ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે.
ઉત્તર ગોળાર્ધથી હિંદ મહાસાગરમાં આગમન: શિયાળા દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે રશિયા અને સાઇબેરીયા તેમજ અન્ય ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ હિંદ મહાસાગરના ઓછા ઠંડા વિસ્તારમાં સ્થળાંતરિત થતા હોય છે. ઉત્તર ગોળાર્ધમાં અતિ તીવ્ર ઠંડીને કારણે તેમના ખોરાકની શક્યતા સંપૂર્ણ પણે બંધ થઈ જાય છે. બરફ જામી જવાને કારણે તેમના રહેણાંકો પણ નષ્ટ થાય છે. આવી પરિસ્થિતિમાં ડિસેમ્બર મહિનાથી લઈને માર્ચ મહિના સુધી ખૂબ જ ઠંડા પ્રદેશોમાંથી આવા પક્ષીઓ હિંદ મહાસાગર જેવા ઓછા ઠંડા વિસ્તારમાં સ્થળાંતરિત થાય છે. અહીં તેમને ખોરાક અને રહેણાંક માટેની પૂરતી વ્યવસ્થા મળી રહે છે.
વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા ગુજરાત આવે છે: વધુમાં આપણા પ્રદેશની આબોહવા જમીન અને પાણી વિદેશથી સ્થળાંતરિત થતા પક્ષીઓને એકદમ અનુકૂળ આવે છે એટલે પણ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં શિયાળા દરમિયાન આવતા જોવા મળે છે. વર્ષ 2024 માં ગુજરાતમાં 1.24 મિલિયન જેટલા વિદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન મહેમાન બન્યા હતા. સામાન્ય રીતે શિયાળા દરમિયાન વિદેશમાંથી 8 થી 10 લાખ વિદેશી પક્ષીઓ 9 થી 10 દેશોની સીમા ઓળંગીને ભારત અને વિશેષ ગુજરાતમાં શિયાળો ગાળવા આવતા હોય છે.
જૂનાગઢના પક્ષીવિદોનો પ્રતિભાવ: જે રીતે ગીર અને ગિરનારને સમૃદ્ધ પ્રકૃતિનો વારસો મળ્યો છે તેને માણવા અને જાણવા માટે જૂનાગઢના પક્ષીવિદો ડૉ. ભરત જોશી, ડૉ. ગૌરાંગ બગડા, રવિ કુમાર પટેલ, ડૉ. વિભાકર જાની અને અંકિત શુક્લાએ ગીર અને ગિરનારમાં પક્ષીઓની વિવિધતા અને તેને જોવાનો લાહ્વો Etv ભારત સમક્ષ વ્યક્ત કર્યો હતો.
તબીબી વ્યવસાય સાથે જોડાયેલા ડૉ. ભરત જોશી છેલ્લા 20 વર્ષથી નિયમિત રીતે પક્ષીઓની ગતિવિધિની નોંધ રાખી રહ્યા છે. તેવી જ રીતે જૂનાગઢના અન્ય એક તબીબ ડૉ. ગૌરાંગ બગડા પણ પક્ષીઓને જોવાનો ખૂબ શોખ ધરાવે છે. અભ્યાસકાળથી લઈને આજદિન સુધી તેઓએ ગુજરાત અને સમગ્ર ભારત વર્ષમાં ફરીને 750 કરતાં વધારે પક્ષીઓની જાતને જોઈ છે અને તેનો ડેટા પણ તેમણે એકત્રિત કર્યો છે.
આ પણ વાંચો: