નવસારી: ગત વર્ષમાં આપણે જોયું કે,રાજ્ય ભરમાંથી નકલી કચેરીઓ, નકલી જજ, નકલી પોલીસ, નકલી અધિકારીઓ ઝડપાવવાના કિસ્સાઓ સામે આવ્યા હતાં. ત્યારે 2025ના નવા વર્ષમાં પણ આવા નકલીઓના કિસ્સાઓ વધે તો નવાઈ નહીં.
છેલ્લાં કેટલાંક મહિનાઓમાં એક બાદ એક અસંખ્ય નકલી અધિકારીઓ ઝડપાઈ ચુક્યા છે, ત્યારે નવા વર્ષના પ્રારંભમાં પણ આ સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે, આ કિસ્સામાં વધુ એક નામ જોડાયું છે નવસારીના નકલી સીએમઓ અધિકારીનું.
નવસારી પ્રાંત અધિકારીને ફોન પર આપી CMO અધિકારીની ઓળખ
આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો, નવસારી પ્રાંત અધિકારી જન્મ ઠાકોર કે જેઓ છેલ્લાં એક વર્ષથી વધુથી ફરજ બજાવે છે, તેઓ ફેબ્રુઆરી 2023 થી ઓક્ટોબર 2023 દરમિયાન બારડોલી ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે નિતેશ ચૌધરી નામના ઠગબાજ ઈસમે ફોન પર તેમને મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો કર્મચારી હોવાની ઓળખ આપી હતી. ઠગબાજે ગુજરાતમાં જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ કોઈક પર ફરિયાદ કરવા જણાવ્યું હતું, તે વખતે પ્રાંત અધિકારી જન્મ ઠાકોરને ફોન ઉપર આરોપી ઉપર શંકા ગઈ ન હતી અને આ મામલે કાયદેસરની સલાહ તેમને આપી હતી.
ઠગબાજે પ્રાંત અધિકારીને વિશ્વાસમાં લીધા
23 ઓક્ટોબર 2024ના રોજ ફરીથી ઠગબાજ નિતેશ ચૌધરી દ્વારા પ્રાંત અધિકારી જન્મ ઠાકોરને ફોન કરી નવસારી તાલુકામાં આવેલા ગણેશ સિસોદ્રા ગામે જમીનનો એક કેસ પ્રાંત નવસારીમા ચાલે છે, અને તે કેસમાં કલેક્ટર અને પ્રાંત સાથે મળીને કેસ પતાવી આપું છું, તેવું કહીને કોઈ ઈસમે જમીનના ફરિયાદી પાસે રૂપિયા 40 લાખ લઈ ગયો છે. આ વાતમાં સત્યતા છે કે કેમ તે ચકાસવા માટે પ્રાંત અધિકારીને વર્દી સોંપી હતી, જેથી પ્રાંત અધિકારીએ આ મામલે તપાસ કરતા જમીનના ફરિયાદી પાસેથી કોઈએ રૂપિયાની માંગણી કરી ન હતી. આ મામલે પ્રાંત અધિકારીએ નિતેશ ચૌધરીને માહિતી આપી હતી.
કેવી રીતે ફુટ્યો નકલી CMO અધિકારીનો ભાંડો
નવસારી પ્રાંત અધિકારી જન્મ ઠાકોર દ્વારા ગણેશ સિસોદ્રા ની 73AA વાળી જમીનમાં એક આરોપીને દંડ કર્યો હતો, જેમાં આ નકલી CM ઓફિસના કર્મચારીએ આડકતરી રીતે આરોપી એક પ્રતિષ્ઠિત માણસ છે, અને તેમને બનતી મદદ કરવી તેવી વાત ફોન પર કરી હતી. પ્રાંત અધિકારીને આરોપીને મદદ કરવાનો ઈશારો કર્યો હતો, જેથી પ્રાંત અધિકારીને શંકા ગઈ હતી કે CM ઓફિસમાંથી ગેરકાયદે કામ કરવા માટે કોઈ દિવસ ભલામણ આવે નહીં, જેથી તેમણે ફોન પર વાતવાતમાં વહીવટી કામકાજને લઈને કેટલાક સવાલો કરતા આરોપી નકલી અધિકારી હોવાનો તેમનો શક મજબૂત બન્યો હતો અને તેમણે આ મામલે ખાનગી રીતે તપાસ કરતાં ખબર પડી કે આરોપી નિતેશભાઇ ચૌધરી બારડોલી તાલુકામાં આવેલા મઢી ગામનો વતની છે, અને CM ઓફિસમાં કામ કરતો નથી, જેથી તેમણે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં આ અધિકારી વિરુદ્ધ ફરિયાદ આપતા રવિવારે ગ્રામ્ય પોલીસે આરોપી નિતેશ ચૌધરીની ધરપકડ કરી છે.