ભાવનગર: ભાવનગર કલેકટર દ્વારા આગામી નવેમ્બર અને ડિસેમ્બરના કુલ પાંચ તહેવારને પગલે એક હથિયારબંધીના જાહેરનામાની જાહેરાત કરી છે. લાઠી કે લોખંડના પાઇપ જેવી વસ્તુ પણ સાથે રાખી શકાશે નહીં, જેને લઈને ધોરણસરની કાર્યવાહી પણ થઈ શકે છે. જો કે સજા પણ આ પ્રકારના ચીજો સાથે ઝડપાય તેની જાહેર કરાયેલી છે. જોઈએ આ જાહેરનામું શું છે.
તહેવારના પગલે કલેક્ટરનું હથિયારબંધીનું જાહેરનામું: ભાવનગરના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.મહેતા દ્વારા હથિયારબંધીનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 9 નવેમ્બર જલારામ જયંતીથી આ જાહેરનામું અમલમાં છે. જેમાં 9 નવેમ્બર જલારામ જયંતી, 12 નવેમ્બર દેવદિવાળી, 15 નવેમ્બર ગુરુનાનક જયંતિ, 23 નવેમ્બર કાલાષ્ટમી અને 5 ડિસેમ્બર વિનાયક ચોથને પગલે આ જાહેરનામું જાહેર કરાયેલું છે. જેમાં હથિયાર સાથે રાખી શકાશે નહીં. જો કે કેવા હથિયાર નહીં રાખી શકાય તે પણ દર્શાવવામાં આવ્યું છે.
હથિયારબંધીમાં કેવી ચીજો જાહેરમાં નહિં લઈ જવાય: ભાવનગરના કલેકટરે જાહેર કરેલા હથિયારબંધીના જાહેરનામામાં શસ્ત્ર, દંડા, તલવાર,છરી, કુહાડી, ધારીયા, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા, બંદૂક, લાઠી અથવા શરીરને ઇજા પહોંચાડી શકે તેવું કોઈ પણ સાધન સાથે રાખી શકાશે નહીં. આ સાથે પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ તેમજ વસ્તુઓ ફેંકવા કે ધકેલવાના યંત્રો પણ સાથે લવાશે નહીં. સરઘસની મંજૂરી આપનાર અધિકારીની મંજૂરી વગર સરઘસ અથવા કોઈ મસાલ સાથે લઈ જવાશે નહીં.
બીજું શું શું નહીં કરી શકાય જાહેરનામા પ્રમાણે: જાહેરનામાને લઈને કોઈ મનુષ્ય અથવા તેના શબ કે આકૃતિઓ અથવા તો પૂતળા દેખાડવા કે બાળવા નહીં. અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેર બીભત્સ સૂત્રો પોકારવા નહીં, ગીતો ગાવા નહીં અને ટોળામાં ફરકવું નહીં. પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ કે સિનેમા હોલ કે ઓડિટોરિયમ કે નાટયગૃહ તથા ટાઉનહોલમાં પ્રવેશવું નહીં. આ પ્રકારની મનાઈ ફરમાવવામાં આવેલી છે. જો કે લગ્નમાં વરરાજાને તલવાર રાખવાની પરવાનગી છે.
- વર્ષ 2024 અને 2025માં લગ્નના 70 શુભ મુહૂર્ત, ડિસેમ્બર, ફેબ્રુઆરી અને મે મહિનામાં સૌથી વધુ મુહૂર્ત
- તુલીપ, આર્કિટ અને લીલયમ જેવા ફૂલોની લગ્નગાળામાં માંગ, જુઓ બજારના ભાવોને લઈને શું કહી રહ્યા છે વેપારીઓ