ભરુચઃ નર્મદાની પંચકોશી પરિક્રમાને 10 દિવસ બાકી રહ્યા છે. આ સંજોગોમાં પરિક્રમા પગપાળા માર્ગને બદલે મોટરમાર્ગે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણય પાછળનું ગણિત અને સ્વાર્થને લઈને ભકતોમાં અનેક તર્ક અને વિતર્ક થઈ રહ્યા છે. 7મી મેના રોજ ચૂંટણીમાં વોટિંગ ઓછું થવાના ડરે પરિક્રમા અટકાવી દેવામાં આવી હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
મધ્યપ્રદેશમાં વીજળીની માંગઃ નર્મદાની પંચકોશી પરિક્રમા આદિકાળથી રામપુરાથી શહેરાવ અને તિલકવાડાથી રેંગણના 18 કિમીના પરંપરાગત રૂટ પર કરવામાં આવે છે. ચાલુ વર્ષે હરણી બોટકાંડ બાદ શ્રદ્ધાળુઓને બોટમાં નદી નહીં પાર કરવા દેવા સરકાર કટિબદ્ધ હોવાથી મોટરમાર્ગે પરિક્રમા થઇ શકે તે માટે 78 કિમીનો નવો રૂટ તૈયાર કરાયો હતો પણ સાધુ- સંતોના વિરોધના પગલે જૂના રૂટ પર જ પંચકોશી પરિક્રમા કરાવવાનો નિર્ણય લેવાયો હતો. તંત્ર મધ્યપ્રદેશમાં વીજળીની માગ વધતાં રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરાયું હોવાનું રટણ કરી રહ્યું છે. ચૂંટણી અને પરિક્રમા વચ્ચે શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યાં છે. તેમને 18 કિમીની પરંપરાગત પરિક્રમાને બદલે વધુ લાંબો રુટ પાર કરવો પડી રહ્યો છે. નવા રૂટ પર વાહન વિના પરિક્રમા શકય નથી.