ગાંધીનગર : શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોને પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરતાં બિલને લઇને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે આપણા સૌના બાળકોમાં નાનપણથી જ સત્ય,સહજીવન, સંસ્કૃતિ અને સહિષ્ણુતાના ગુણો ખીલે એ માટે અમારી સરકારે મક્કમને નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની શાળાઓમાં ધોરણ ૬ થી ૧૨માં આગામી સત્રથી ભગવદગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય અમારી સરકારે કર્યો છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે. ગીતા જ્ઞાનનો ખજાનો તો છે જ, સાથે સાથે સત્કર્મો અને સદવિચાર માટે ઉદ્દીપક પણ છે. ગીતાના તત્વજ્ઞાન થકી ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ જ્ઞાની બનશે અને 'વિકસિત ભારત @૨૦૪૭' ના સંકલ્પને સાર્થક કરવાની દિશામાં તથા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં મહત્વનું યોગદાન આપશે...પ્રફુલ પાનસેરીયા (શિક્ષણ મંત્રી )
પરંપરાઓ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી :આજે વિધાનસભા ખાતે ધોરણ 6થી 12માં ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાના સંકલ્પ રજૂ કરતા પાનશેરીયાએ કહ્યું કે,દરેક વાલીનું સપનું હોય છે કે પોતાનું બાળક સંસ્કારી બને, જીવન જીવવાની પધ્ધતિથી વાકેફ થાય એ માટે અમે સામાજિક ઉત્થાન માટે સામાજિક જવાબદારીથી લાવ્યા છીએ. ભારતીય સંસ્કૃતિમાં યોગ એ આપણી આગવી ઓળખ છે જેને યુનો એ પણ સ્વીકારીને વિશ્વ યોગ દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે એમ ભગવતગીતાના મૂલ્યોને સમજીને યુનો દ્વારા " ગીતા ડે " ઉજવવાનો નિર્ણય કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો સમાવવામાં આવ્યા છે. જે પૈકીનો એક સિદ્ધાંત વિદ્યાર્થીઓ માં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાનની પ્રણાલીઓ તેમજ પરંપરાઓ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી ઉદ્દભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકાયો છે.
ધોરણ-9થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય :આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય અને ભારતીય હોવા પર ગર્વ અનુભવે તે માટે વિદ્યાર્થીઓના રોજિંદા જીવન અને શાળાકીય અનુભવોમાં ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાય તે જરૂરી છે. આ જોડાણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને તે રીતે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો શાળાકીય અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ.