બનાસકાંઠા:જ્યારે કોઈ પોતાનું જ દુઃખના ઘા આપે તો એ ક્યારેય રૂજાતા નથી, અને કંઈક આવા જ દુઃખના ઘા એક પિતાએ 19 વર્ષ પહેલા એક પરિવારને આપ્યા અને આજેય પિતાના પાપે એક ગરીબ પરિવારનો માળો હંમેશા હંમેશા માટે વિખરાઈ ગયો. જોકે ગરીબ પરિવારને હવે ફેમિલી કોર્ટે 14 વર્ષે ન્યાય આપી જીવન જીવવાની નવી આશાની કિરણ જગાવી છે.
પત્નીના માથે જાણે આભ ફાટી પડ્યું: આ વાત છે બનાસકાંઠા જિલ્લાના જગાણા ગામની, જ્યાં 19 વર્ષ પહેલા હસતો ખીલતો એક પરિવાર અચાનક જ વિખરાઈ ગયો. બન્યું એમ કે, પિતા મનોજ જકરિયાએ ત્રણ સંતાનો પરેશ, ઈશા અને ધીરજ સાથે પત્નીને તરછોડી મુંબઈ જઈ તેમને બીજા લગ્ન કરી લીધા હતા. જોકે પિતાએ તો બીજા લગ્ન કરી સુખી સંસાર માંડ્યો, પરંતુ પત્નીના સાથે ત્રણ સંતાનો છોડી જતા પત્નીના માથે જાણે આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ આવી પડી હતી.
એક પિતાના પાપે પરિવાર આવ્યો રસ્તા પર (Etv bharat Gujarat) ત્રણેય નિ:સહાય બાળકો રોડ ઉપર આવી ગયા:ત્રણ સંતાનોમાં એક બાળક અશક્ત જે ના તો બોલી શકતો હતો ના તો ચાલી શકતો હતો. તેની દૈનિક ક્રિયા કરાવવા માટે પણ અન્ય વ્યક્તિના સહારની જરૂર પડતી હતી, ત્યારે માંડ માંડ માતાએ મજૂરી કરીને આ ત્રણ બાળકોને મોટા કર્યા, પરંતુ કહે છે કે કુદરત પણ આવા ગરીબ પરિવારની કસોટી આકરી લેતો હોય છે. એ જ રીતે થોડા જ સમયમાં માતાનો છાયો પણ આ ત્રણ સંતાનો પરથી ઉઠી ગયો અને ત્રણ બાળકો જાણે નોંધારા બની ગયા હોય તેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા. ત્યારબાદ નાનીએ તેમના ઘરે સહારો આપ્યો અને નાનીના હૂફમાં ત્રણ બાળકો મોટા થતા હતા. પરંતુ ફરી કુદરતે નાનીનો છાયો પણ તેમના માથેથી ઉઠાવી લીધો અને ફરી એકવાર ત્રણેય નીસહાય બાળકો રોડ ઉપર આવી ગયા.
નાનો ભાઈ અશક્ત છે: ગમે ત્યાં રોડ પર રહી આ ત્રણેય ભાઈ બહેન જીવન વ્યતીત કરવા લાગ્યા. કુદરતને જે ગમ્યું તે ખરું તેમ માની કોઈએ આપ્યું તો ખાધું, નહિ તો ભૂખ્યા જ દિવસો પસાર કરવા લાગ્યા. જોકે નાનો ભાઈ અશક્ત હોવાના કારણે મોટો ભાઈ તેને મૂકીને ક્યાંય જાય તેવી પરિસ્થિતિ ન હોવાથી કોઈ જ ધંધો વ્યવસાય તે કરી નથી શકતો, અને નાના ભાઈની દેખરેખમાં જ તે પણ પોતાની જીવન ગુજારી રહ્યો છે.
14 વર્ષની કાનૂની લડાઈ બાદ ન્યાય: પરિણામે જે પિતાએ ત્રણ ભાઈ બહેનોને દુઃખીયારી જિંદગી આપી તે પિતા સામે આ ભાઈ-બહેને ભરણપોષણ માટે ફેમિલી કોર્ટના દ્વાર ખખડાવ્યા અને આ મોંઘવારીના સમયમાં જીવન જીવવા આર્થિક મદદ માગી. કોર્ટે આ ગરીબ ભાઈ બહેનોની વેદના સમજી અને સત્ય જણાતા 14 વર્ષની કાનૂની લડાઈ બાદ આખરે આ ગરીબ પરિવારને ફેમિલી કોર્ટે ન્યાય આપ્યો છે. જે પિતાએ આ પરિવારને તરછોડ્યો તે પિતાને 2 લાખ 16 હજાર રૂપિયાની રકમ ભરવા આદેશ કર્યો છે અને જો રકમ ન ભરે તો 36 અઠવાડિયાની (3 મહિના) સજાનો હુકમ પણ ફેમિલી કોર્ટે કર્યો છે.
ભરણપોષણની આ રકમ બાળકોના જીવનમાં થોડીક રાહતની કિરણ જરૂર પૂરી પડશે, પરંતુ એક પિતાએ ત્રણ બાળકોને આપેલા આ દુઃખના ઘા જીવનમાં કોઈપણ મોટી રકમથી પુરાય તેમ નથી. કારણ કે આ બાળકોને જે જીવન જીવવાના દિવસો હતા, જે બાળપણમાં રમવાના દિવસો હતા તે આ બાળકોએ રોડ પર વિતાવ્યા છે જે ક્યારેય ભૂલી શકાય નહિ.
આ પણ વાંચો:
- આડા સંબંધની આશંકાનું ઘાતક પરિણામ ! 7 શખ્સો પર યુવકની હત્યાનો આરોપ - MURDER IN RAJKOT
- મિત્ર સાથે બેસેલી કિશોરી પર ગેંગરેપ કેસમાં વડોદરા પોલીસે કર્યું પીડિતાનું કાઉન્સેલિંગ, ચોંકાવનારી વાત સામે આવી - Vadodara Gang Rape case