અમરેલી: જિલ્લાના આંગણે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી લાઠીના દુધાળા ખાતે ભારત માતા સરોવરના લોકાર્પણ પ્રસંગે પધારવાના છે. પરિણામે વહીવટી તંત્ર દ્વારા આ માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. લાઠીના દુધાળા ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા નિર્મિત ભારત માતા સરોવરના લોકાર્પણ પ્રસંગની સાથે લાઠી શહેરમાં એક જનસભાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સંબોધન કરશે. ત્યારે લાઠી આસપાસના 25 જેટલા ગામડાઓ માટે આશીર્વાદ રૂપ બનેલ ગાગડીયો નદી પરના ભારત માતા સરોવરના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને વધાવવા અમરેલી જિલ્લામાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ખેડૂતોમાં હરિત ક્રાંતિને લઈને હરખની હેલી જોવા મળી રહી છે.
ભારત માતા સરોવર:અમરેલી જિલ્લા લાઠી ખાતે ધોળકિયા ફાઉન્ડેશન નિર્મિત ભારત માતા સરોવરમાં જળક્રાંતિ આવવાની છે. આ જળ ક્રાંતિના કારણે હજારો ખેડૂતોને લાભ મળશે. તમને જણાવી દઈએ કે, 70 એકર વિસ્તારની અંદર આ ભારત માતા સરોવર તૈયાર થયું છે. આ સરોવરમાં 4.5 કરોડ લિટર સંગ્રહ શક્તિ પાણી થાય છે. રૂપિયા 2,00,000 ઘન મીટરના બાદ 24.50 કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે. અહીં સરોવરના નિર્મળ બાદ 150 ફૂટ ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે અને 100 એકર જમીનને પરોક્ષ સિંચાઈનો લાભ મળ્યો છે.
જાણવા જેવી બાબત એ છે કે, આ ભારત માતા સરોવરના નિર્માણ પહેલા આ વિસ્તાર ખારોપાઠનો વિસ્તાર હતો. આ વિસ્તારની અંદર એક જ સમયે ખેતી કરવામાં આવતી હતી અને ભારત માતા સરોવરના નિર્માણ બાદ ત્રણ સિઝનમાં ખેડૂતો ખેતી કરી શકશે.