ગુજરાત

gujarat

ETV Bharat / state

બિનજરૂરી ઓપરેશન કરી નાખ્યા! અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન - AHMEDABAD KHYATI HOSPITAL

ઘટનાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે પણ હોસ્પિટલની કામગીરી અંગે શંકા વ્યક્ત કરતા સવાલો ઉઠાવ્યા છે.

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 5:05 PM IST

Updated : Nov 12, 2024, 7:23 PM IST

અમદાવાદ: શહેરમાં એસ.જી હાઇવે ઉપર આવેલ ખ્યાતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર 19 જેટલા દર્દીઓને દાખલ કરીને 12 દર્દીની પરવાનગી વિના એન્જિયોગ્રાફી કરી દેવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં બે દર્દીઓના મોત નિપજ્યા છે, જ્યારે 5 દર્દીઓ હજુ પણ ICUમાં સારવાર હેઠળ છે. ઘટનાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે પણ હોસ્પિટલની કામગીરી અંગે શંકા વ્યક્ત કરતા સવાલો ઉઠાવ્યા છે.

નીતિન પટેલે ઘટના પર શું કહ્યું?
સમગ્ર ઘટનાને લઈને મીડિયા સાથે વાત કરતા નીતિન પટેલે કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે છે આ જરૂરિયાત વિનાના બિનજરૂરી ઓપરેશન કરવામાં કદાચ આવ્યા હશે. આમાં નિષ્ણાત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જરૂરી છે પણ ઓપરેશન કરી દીધા હોય એનો પણ વાંધો નથી, પરંતુ મૃત્યુ થઈ જાય એ થોડું વધારે પડતું છે. આ થોડું વધારે પડતું લાગે છે, થોડું સારું નથી લાગતું. દેખાઈ આવે છે કે આમા કોઈ ધંધાદારી રીતે દર્દીઓને લાવી દીધા અને દર્દીને જરૂર છે કે નહીં એ પણ હજુ પ્રસ્થાપિત થતું નથી. પરંતુ એક ગામમાં 11થી વધુ દર્દીઓને એન્જિયોગ્રાફી માટે લાવવા. એન્જિયોપ્લાસ્ટી કરી દેવી, એક સાથે બધાના ઓપરેશન કરી દેવા. આ બધું અતિરેક અને બિનજરૂરી લાગે છે.

શું છે સમગ્ર ઘટના?
ઘટનાની વિશે વાત કરવામાં આવે તો મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, કડી તાલુકાના બોરીસણા ગામમા ખ્યાતિ હોસ્પિટલ તરફથી એક ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ફ્રી ચેકઅપ કેમ્પમાં 80 થી 90 લોકોની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ બોરીસણા ગામના 19 લોકોને સારવાર માટે એમ્બયુલન્સ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતા. કુલ 19 માંથી 12 ની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં 12 માંથી બે દર્દીના મોત નિપજ્યા છે.

પરિવારના લોકોના જણાવ્યા પ્રમાણે અગાઉ તેમને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી. માત્ર ચેક અપ માટે બોલાવવામાં આવ્યા હતા અને કોઈ પણ પરવાનગી વગર તેમની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી. જેમાં સેનમા નાગરભાઈ અને મહેશ બારોટનું મોત નિપજ્યું છે. આ ઓપરેશનના PMJAY યોજનામાંથી 1 લાખ 28 હજાર રૂપિયા કપાયા છે. ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ લેતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

આ ઘટનાની જાણ થતા ગામના લોકો અને સરપંચ સહિતના લોકો હોસ્પિટલ ખાતે આવ્યા હતા. ત્યારે હોસ્પિટલનો કોઈ સ્ટાફ અને ડોક્ટર તેમને મળવા તૈયાર નહોતો. આથી રોષે ભરાયેલા મૃતકના સગા-સંબંધીઓ દ્વારા હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવેલી હતી.

આ પણ વાંચો:

  1. રાજકોટનો પરિવાર જેસલમેર ફરતો હતો, સો.મીડિયામાં સ્ટેટસ જોઈને ચોરે તિજોરી સાફ કરી નાખી
  2. 'બાઈટિંગ છે' મોંઢામાં સીંગ મુકી રુપાલા બોલ્યા, અન્ય નેતાઓની હાહા... હીહી...- Video
Last Updated : Nov 12, 2024, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details