અમદાવાદઃગત 13મીએ ખ્યાતિ હોસ્પિટલ મામલે ફરિયાદ થઈ હતી જેતે સમયે વસ્ત્રાપુર પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી જે પછી આ કેસ ક્રાઈમ બ્રાન્ચને અપાયો હતો. કુલ આઠ આરોપી આ કેસમાં પ્રારંભીક ધોરણે સામે આવ્યા હતા જેમાંથી ડો. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેના રિમાન્ડ દરમિયાન ઘણી ચોંકાવનારી વિગતો મેળવી હતી. હવે પોલીસે રાહુલ જૈનને ઉદયપુરથી ઝડપી પાડ્યો છે જ્યારે ખેડા પાસેના કપડવંજ પાસેના એક ફાર્મમાંથી મિલિંદ પટેલ, પ્રતિક અને પંકિલને પણ ઝડપી પાડ્યા છે. આમ આ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે.
વાતચિત કરવા ચાઈનીઝ-રશિયન એપ
આ શખ્સો જ્યારે પોલીસના હાથે ઝડપાયા ત્યારે તપાસમાં સામે આવ્યું કે આ શખ્સો એક બીજા સાથે વાતચિત કરવા માટે ચાઈનીઝ અને રશિયન એપની મદદ લેતા હતા. જેના કારણે પોલીસને આ લોકો સુધી પહોંચવામાં પોલીસને વાર લાગી હતી. તેઓ ડોંગલ અને અન્ય ઉપકરણોનો ઉપયોગ કરતા હતા. જોકે પોલીસના હાથ લાંબા નીકળ્યા અને લોકેટ થઈ જતા કુલ 8 ટીમ અલગ અલગ દિશામાં દોડી અને આ શખ્સોને પકડી પાડ્યા હતા. રાહુલને રાજસ્થાનથી ઝડપ્યો અને અન્યોને ખેડાના ફાર્મમાંથી ઝડપ્યા હતા.
કોણ કોણ ઝડપાયું
(1) ચિરાગ હીરાસિહ બગીસિંહ, રાજપૂત ઉંવ-47, વ્યવસાય: વેપાર રહે, મ.નં બી/૩૧, રિવેરા બ્લૂ વોડાફોન હાઉસની સામે, મકરબા, સરખેજ અમદાવાદ.
(2) મિલિન્દ કનુભાઈ અમરતલાલ પટેલ, ઉંવ-52, વ્યવસાય:-નોકરી, મૂળ વતન: 1819, વર્ધમાનનગર સોસા, બાલજી પાર્ક પસે, ચાણસ્મા હાઇવે રોડ, પાટણ, હાલ રહે, મ.નં ડી/403, શુકન હોમ્સ, અયોધ્યાનગર સામે, માણકી સર્કલની બાજુમાં, ન્યૂ રાણીપ અમદાવાદ.
(3) રાહુલ રાજેન્દ્રકુમાર શાંતિલાલ, જૈન, ઉં. વ.37, ધંધો:- નોકરી, વતન:- 11, નાકોડા કોમ્પ્લેક્સ, હિરણમગરી, સેકટર-4, ઉદેપુર, રાજસ્થાન. હાલ રહે:- ઇ/902, શિલાલેખ એપાર્ટમેન્ટ, પોલીસ સ્ટેડિયમ સામે, શાહીબાગ, અમદાવાદ, મૂળ
(4) પ્રતીક યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ, ઉં. વ. 37, મૂળ વતન: ગામ. સોનારડા ત:- દહેગામ જિ:- ગાંધીનગર. હાલ રહે: મ.નં 108, મકેરીવાડ, છબિલા હનુમાન મંદિર પાસે, રાયપુર, ખાડિયા, અમદાવાદ.
(5) પંકિલ હસમુખભાઈ મોહનભાઈ પટેલ, ઉંવ.47, મૂળ વતન ગામ ગોજારિયા, તા.વિજાપુર, જિલ્લો મહેસાણા. હાલ રહે ઈ/102 ધનંજય એન્કલેવ, ન્યૂ સાઈન સિટી રોડ, ગોતા અમદાવાદ.
મહિનાનો 7 લાખ પગાર લેતો હતો
મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત અંગે જાણકારી આપતા પોલીસે કહ્યું કે, ચિરાગ રાજપૂત અન્યોને ખ્યાતિમાં લાવ્યો અને તે માર્કેટિંગ અને લોકલ કેમ્પ કરીને સર્જરીનો ડર બતાવતા હતા. તેની ટીમ આ ડરેલા લોકો પર શસ્ત્રક્રિયા કરીને પીએમજય યોજનાથી ધંધો કરતા હતા. આ શખ્સ મહિને 7 લાખ રૂપિયાનો પગાર ધરાવતો હતો. તે એમઆર તરીકે અલગ અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કામ કરતો હતો. તે અલગ અલગ હોસ્પિટલમાં અલગ અલગ હોદ્દા માર્કેટિંગ, ડાયરેક્ટર, બ્રાન્ડિંગ, એડમીન વગેરે જેવા હોદ્દે કામ કરતો હતો. દર્દીને સેન્ટેન્ટની જરૂર છે કે નહીં તે ન જોતા એક ગ્રાહકને સ્કિમ ચોંટાડે તે રીતે આગ્રહ કરીને સ્ટેન્ટ મુકાવતો હતો. અહીં સુધી કે ચિરાગની સૂચનાનું પાલન ડોક્ટરને પણ કરવું પડતું હતું. હોસ્પિટલની કેથલેબમાં સ્ટેન્ટ મુકવાની કામગીરી દરમિયાન તે પણ હાજર રહેતો હતો. જોકે ચિરાગ કરતા પણ મોટું માથું એવો કાર્તિક પોલીસના હાથે ચઢ્યો નથી તેની સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવું રહ્યું.
પોલીસે ઝડપેલા અન્ય આરોપીઓ
પોલીસે ઝડપેલા અન્ય આરોપીઓ પૈકી મિલિન્દ પટેલ માર્કેટિંગ કરતો હતો. તેના ઘરેથી મળેલી દારુની બોટલ્સ અંગે પોલીસે કહ્યું કે તેનું એવું કહેવું છે કે ઘણા મિત્રો દ્વારા આ બોટલ્સ તેને ગીફ્ટમાં આપવામાં આવેલી છે. તે ખ્યાતિમાં જોડાયો ત્યારથી તેનો પગાર 40 હજાર રૂપિયા પ્રતિ માસ છે. તેનું કામ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં તબીબને મળી દર્દીઓને ખ્યાતિ હોસ્પિટ રિફર કરવા સહમત કરવાનું કામ કરતો હતો. જે પછી અન્ય એક છે રાહુલ જૈન કે જે નાણાકિય બાબતો સંભાળતો હતો. તે હોસ્પિટલમાં ઓડિટ અને નાણાકિય વ્યવહારો પર નજર રાખતો હતો. પંકિલ અને પ્રતિક નામના આરોપીઓ માર્કેટિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. તે અલગ અલગ ગામમાં સરપંચ અને લોકોનો સંપર્ક કરતા હતા. નાની મોટી હોસ્પિટલમાં સપર્ક કરતા હતા અને દર્દીઓને ખ્યાતિમાં રિફર કરવામાં આવે તેવા પ્રયત્નો કરતા અને જે તે ડોક્ટરને કમિશન પણ આપતા હતા.
ખ્યાતિકાંડના હજુ કયા આરોપી ફરાર?
લોકોની મંજુરી વગર ચીરફાડ કરી નાખવા અને લોકોના મોત નિપજાવવા સહિતના મામલાઓમાં અમદાવાદ પોલીસ હજુ પણ કેટલાક મુરતિયાઓની તપાસમાં છે. ખાસ કરીને આ મામલામાં જેના પર લોકોની સૌથી પહેલી નજર છે તે હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ ઉપરાંત રાજશ્રી કોઠારી અને ડો, સંજય પટોળિયાનો સમાવેશ થાય છે.
- જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામને કારણે રહેવાસીઓ મુશ્કેલીમાં, આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
- લોકોના સ્વાસ્થ સાથે ચેડાં! કચ્છ LCBએ માધાપર ગામેથી બોગસ તબીબ ઝડપ્યો