નવસારી: શહેરમાં ચોરીના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં શાંતિવન સોસાયટીમાં આવેલા NRIના મકાનને ચોરોએ નિશાન બનાવ્યું હતું. આ મકાન હાલ વેચાણ માટે ખાલી હતું અને તેમાં કોઈ કિંમતી સામાન ન હતો, જેથી ચોરોના હાથ કંઈ લાગ્યું નહીં.
ચોરીની ઘટના CCTVમાં કેદ: ચોરોને કંઈ હાથ ન લાગતાં નજીકમાં આવેલી પાલિકાના પૂર્વ કમિટી ચેરમેન પ્રીતિ અમીનના મકાનને નિશાન બનાવ્યું. અહીંથી તેઓએ આશરે રુ. 11,000ના એડીડાસ કંપનીના મોંઘા બ્રાન્ડેડ બૂટ ચોરી લીધા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ચોરો દિનપ્રતિદિન બેફામ બની રહ્યા છે, તેના લીધે શહેરીજનો ચિંતામાં છે.
શહેરીજનોની પેટ્રોલિંગ વધારવાની માંગ: નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. શહેરીજનો પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહ્યા છે. ત્યારે શહેરમાં પેટ્રોલિંગ વધુ કડક કરવામાં આવે તેવી લોકોને અપેક્ષા છે. સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સરવૈયાએ જણાવ્યું હતું કે, હાલ અંગેની કોઈપણ માહિતી અમારા ધ્યાને આવી નથી. પરંતુ પોલીસ રાત્રિ દરમિયાન વધુ સતર્ક બની વધુ પેટ્રોલિંગ કરીને આવા તત્વોને ડામવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: