રાધનપુરની સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને ઇન્ફેક્શન પાટણ:રાધનપુર સ્થિત સર્વોદય હોસ્પિટલમાં છેલ્લાં ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને વિનામૂલ્યે આંખના મોતિયાના ઓપરેશનો કરી આપવામાં આવે છે. ગત તારીખ 2 ફેબ્રુઆરી 2024ના રોજ સર્વોદય હોસ્પિટલ ખાતે 13 જેટલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જોકે, ચાર દિવસ બાદ સાત જેટલા દર્દીઓને કોઈક કારણોસર આંખે ધૂંધળું દેખાતા દર્દીઓ તાત્કાલિક સર્વોદય હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને ઇન્ફેક્શન દર્દીઓને વિસનગર અને અમદાવાદ ખસેડાયા: સર્વોદય હોસ્પિટલના ટ્રસ્ટી ભારતીબેન વખરીયાએ આ બાબતે જણાવ્યું હતું કે, સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ કેટલાક દર્દીઓને ધૂંધળું દેખાતા તેઓ હોસ્પિટલમાં આવ્યા હતા. દર્દીઓની તપાસ કરતા કોઈ કારણોસર ઇન્ફેક્શનની અસર જણાતા તેઓને તાત્કાલિક હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં સ્ટાફ સાથે વધુ સારવાર અર્થે વિસનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલના ટ્રસ્ટી ભારતીયબેને ઉમેર્યુ હતું કે, સર્વોદય હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં પાંચ લાખ જેટલા મોતિયાના સફળ ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવ્યા છે.
મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને ઇન્ફેક્શન 9 સભ્યોની ટીમ કરશે તપાસ: રાધનપુર સર્વોદય હોસ્પિટલમાં દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ આંખમાં સર્જાયેલી સમસ્યાને લઈને ગાંધીનગર જાહેર આરોગ્ય અધિક નિયામક નીલમ પટેલે ઈટીવી ભારત સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 6 ફેબ્રુઆરીના રોજ સર્વોદય હોસ્પિટલ દ્વારા એક દર્દીને એમ.એન.જે હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં દર્દીની આંખો લાલ થવી, આંખમાં સોજા તેમજ આંખમાંથી પાણી પડતું હોવાનું જણાય હતું. જેથી હોસ્પિટલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ દર્દીનું કઈ જગ્યાએ ઓપરેશન કરવામાં આવ્યું છે તેની વિગત મેળવી એમ.એન.જે હોસ્પિટલના તજજ્ઞો અને જિલ્લાના મળી 9 સભ્યોની ટીમ બનાવી તપાસ અર્થે મોકલી હતી.
2 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલા મોતિયાના ઓપરેશનના 13 દર્દીઓની ચકાસણી કરતા છ દર્દીઓને આંખમાં કોઈ સમસ્યા જણાઈ ન હતી. જ્યારે સાત જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન જણાતા પાંચ દર્દીઓને અમદાવાદની એમ.એન.જે હોસ્પિટલમાં સરકારી વાહનમાં સારવાર અર્થે ખસેડ્યા છે. હાલ તેઓની સારવાર ચાલુ છે. જ્યારે અન્ય બે દર્દીઓ સારવાર અર્થે જવા માટે આનાકાની કરી રહ્યા છે. તજજ્ઞ સભ્યોની ટીમ દ્વારા દવાઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. હાલ આ હોસ્પિટલમાં કોઈપણ ઓપરેશન ન કરવા સૂચના આપવામાં આવી છે.
- Rajkot News: દૂધમાં ભેળસેળ મુદ્દે રાજકોટ મનપાએ 30થી વધુ ડેરીમાં દરોડા પાડ્યા
- Morbi Crime : અકસ્માત કે હત્યા ? મોરબી ટ્રક અકસ્માતમાં મહિલાના મોત મામલે ચોંકવનારો ખુલાસો