બનાસકાંઠા: હવે ભૂતિયા શિક્ષકો બાદ આરોગ્ય વિભાગમાં પણ આવા જ ભૂતિયા લેબોરેટરી ટેક્નિશિયન કર્મચારીઓ સતત એક વર્ષથી ગેરહાજર રહેતા હવે આરોગ્ય વિભાગે તેમના સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.સૌપ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં ભૂતિયા શિક્ષકોનો મામલો સામે આવ્યા બાદ ગુજરાત ભરમાં આવા ભૂતિયા શિક્ષકો સામે ગુજરાત શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરી ચૂક્યું છે જોકે હવે આરોગ્ય વિભાગમાં પણ આવા જ ભૂતિયા કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી ગેરહાજર રહેતા હોવાનો મોટો ખુલાસો થયો છે.જોકે આ અંગે આરોગ્ય વિભાગે તાત્કાલિક જ બંને કર્મચારીઓ સામે નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી છે.
જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે:જિલ્લામાં કાંકરેજ અને દાંતા તાલુકાના બંને કર્મચારીઓ એક વર્ષથી નોકરી પર આવતા નથી કાંકરેજના લેબોરેટરી ટેક્નિશિયન હાર્દિક સાવજ નામના કર્મચારી 30 ઓક્ટોબર 2022થી નોકરી પર હાજર થયા હતા જે બાદ લાંબી રજા મૂકી હતી જે બાદ તેઓ સતત ગેરહાજર છે. આ અંગે તાલુકા લેવલથી અને જિલ્લા લેવલથી આખરી નોટિસ આપવામાં આવી છે છતાં તેઓ હાજર થયા નથી. એપેડેમીક ઓફિસર ડો. જીગ્નેશ હરિયાણીએ કહ્યું કે તેઓ ફિક્સ કર્મચારી હોવાથી હવે અખબારના માધ્યમથી જાહેરાત આપવામાં આવશે અને તેમને સાત દિવસનો સમય અપાશે જે બાદ તેઓ હાજર નહિ થાય તો જગ્યા ખાલી સમજી તે જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે.