ભાવનગર:ભાવનગરનું ખાદી ગ્રામઉદ્યોગ એક સમયે 180 પરિવારોને ખાદી બનાવવામાં રોજગારી આપતો હતો. જોકે, આજે ઉત્પાદન બંધ થતાં પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. સરકારનો ટેકો રહ્યો ત્યાં સુધી ખાદી વેંચાતી હતી. ત્યારે ભાવનગરમાં બનતી માત્ર સફેદ ખાદીને લઈને જિલ્લાના એક ગામમાં ખાદી બનાવતા બે ભાઈઓ સાથે ઈટીવી ભારત પહોંચ્યુ હતું અને ખાદી બનાવવાથી લઈને વેંચાણ સુધીની સફર વિશે માહિતી મેળવી હતી.
ખાદી બનાવતું ગુંદી ગામ
ઈટીવી ભારતની ટીમ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગુંદી ગામની મુલાકાતે પહોંચી હતી. ગુંદી ગામમા વર્ષોથી રહેતા વણકર પરીવારની મુલાકાત લીધી હતી. પરિવારના મોભી ખેતાભાઈ અને તેમના ભાઈ હરજીભાઈએ ખાદી વિશે વાતચીત કરી હતી. ખેતાભાઇ આણંદભાઈ જોગદીયાએ જણાવ્યું હતું કે, અત્યારે ઘણો ફેરફાર છે, ભાવ સારા છે. અત્યારે 40 થી 42 રૂપિયા મજૂરી મળે છે. પહેલાં વળતર ઓછું હતું એટલે કે, રૂપિયો દોઢ રૂપિયો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ લગભગ 50 વર્ષથી ખાદી વણે છે, તેમના બાપ-દાદાએ ખાદી બનાવવામાં આખી જિંદગી ખર્ચી નાખી. આ ગામમાં 10 જણા હતા જેમાંથી આજે 4 ઘર વણકરોના છે. તેઓ ઉમેરે છે કે, હાલના સમયમાં ખાદીમાંથી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે અને મોંઘવારીના કારણે ખાદીના કામમાંથી પૂરું પણ પડતું નથી.
ખાદીના ભાવ વધ્યા તો સાથે મોંઘવારી પણ વધી
ખેતાભાઈ સાથે વાત કર્યા બાદ તેમના ભાઈ હરજીભાઈ સાથે પણ વાતચીત કરી. હરજીભાઈ જુના પગથી ચાલતા હાથશાળ પર કામ કરતા હતા અને રેડીયોમાં જુના ગીતો ચાલુ હતા. હરજીભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે પરિસ્થિતિ એવી છે કે મોંઘવારી નડે છે. લગભગ 40, 45 વર્ષથી કામ કરીએ છીએ. પહેલા શરૂ કર્યું ત્યારે ભાવ ઓછા હતા. અત્યારે ભાવ વધ્યા છે પણ સાથે-સાથે મોંઘવારી પણ વધી છે. તેઓ કહે છે કે, તેમના ગામમાં 4 થી 5 જણા રહ્યા છે, ત ખાદીની ઓછી માંગ છે અને વણકર ઓછા થઈ ગયા છે. સરકાર મજૂરીમાં વધારો કરે તો સારું. પહેલા ઓછી જ હતી પણ મોંઘવારી પ્રમાણે વધતી જાય છે. મીટરના ભાવ 40 થી 45 છે પણ વણાટ ઉપર છે.
ખાદી બનાવવાની પદ્ધતિ
ખેતાભાઈ અને હરજીભાઈ બન્ને 50 વર્ષ વટાવી ચુક્યા છે. તેમના બાપ-દાદાઓ પણ ખાદી બનાવતા પણ બાદમાં ખેતાભાઈના દીકરા દિનેશભાઇ સાથે વાતચીત કરી તો તેમણે ખાદી બનાવવાની પદ્ધતિ જણાવી હતી. દિનેશભાઇ ખેતાભાઈ જોગદીયાએ જણાવ્યું હતું કે, તેમને ગાંધી સ્મૃતિમાંથી ખાદીના દોરા આપવામાં આવે છે, સુતરની આંટી ઘરે લાવીને તેને ખોલવામાં આવે છે અને પછી તેને પાણીમાં પલાળીને ધોકા મારીને સ્મૂથ કરવામાં આવે છે. ત્યાર બાદ ત્રણ દિવસ સુધી તેને પલળવા દેવી પડે છે, અને ચોથા દિવસ સુધી તેને સુકવવી પડે છે અને પછી તેને ઝાટકવી પડે છે, આ પ્રક્રિયાથી સુતરનો દોરો મજબૂત થાય છે.
ત્યાર બાદ તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આ પ્રક્રિયા કર્યા બાદ મોટા રીલ ભરવામાં આવે છે અને તેને તરેલમાં ચડાવવામાં આવે છે, પછી એમાંથી એક-એક કરીને 180 તાર ગોઠવવા પડે છે, એમાંથી એક રોલ તૈયાર થાય છે, એમાં એક પટ્ટો પાડવાનો હોય છે. આમ એક દિવસમાં એક પટ્ટો પડે, એવા 11 પટ્ટા પાડવાના હોઈ એમાં 11 દિવસ લાગે છે. અહીં હાથશાળ પગથી ચલાવવાની હોય છે.