પોરબંદર:જિલ્લામાં એક સોની વેપારીનું અપહરણ કરીને રૂપિયા 20 લાખની ખંડણી વસૂલાયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે કેસમાં સંડોવાયેલા ભરત લાઠીયા સહિત 7 આરોપીઓને પોલીસે પકડી પાડયા બાદ પોરબંદર જિલ્લા પોલીસે 2 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે.
7 લોકો સામે વેપારીનું અપહરણ કર્યાનો આરોપ: પ્રાપ્ત વિગત મુજબ કીર્તિમંદીર પોલીસ સ્ટેશનમાં તા 26 ઓક્ટોબરના રોજ આ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક સોની વેપારીને સસ્તા સોનાની લાલચ આપીને તેને જયપુર ખાતે લઇ જઈ, ત્યાં અવાવરૂ જગ્યાએ એક મકાનમાં ગોંધી રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રૂ. 20 લાખની ખંડણી માંગી તે રૂપિયા આંગડીયા પેઢી મારફતે મેળવ્યા હોવાના આરોપમાં 7 શખ્સો સામે ગુન્હો નોંધાયો હતો.
પોલીસે આરોપીઓને ઝડપી લીધા: આ કેસના આરોપીઓ ભરતકુમાર, રામજી ઉર્ફે જાડો કટારીયા, પ્રતાપ ઓડેદરા અને પોપટ ઓડેદરા, નરેન્દ્રગીરી ઉર્ફે નરેશગીરી મહેશગીરી ગૌસ્વામી, અશોક ઉર્ફે લાલી અને કમલેશ ઉર્ફે ભાણો સહિતના 7 આરોપીઓને રોકડા રૂ.10.04 લાખ અને 2 કાર, મોબાઈલ ફોન, છરી સહિતના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.