પુણે:ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. જયસ્વાલ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન બનાવનાર બીજા બેટ્સમેન બની ગયા છે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામેની ભારતની બીજી ટેસ્ટના બીજા દિવસે ડાબા હાથના બેટ્સમેને આ સિદ્ધિ મેળવી હતી.
આ પહેલા ઈંગ્લેન્ડનો જો રૂટ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે વર્ષ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 1000 રન પૂરા કર્યા છે. જો રૂટ 14 ટેસ્ટમાં 59.31ની એવરેજથી પાંચ સદી અને ચાર અડધી સદી સાથે 1305 રન સાથે ટોચ પર છે. રૂટનો સર્વોચ્ચ સ્કોર 262 રન હતો જે મુલતાન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટમાં આવ્યો હતો.
જયસ્વાલ આ વર્ષે તેની 9મી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે. જેમાં આફ્રિકા સામે 1, ઈંગ્લેન્ડ સામે 5 અને બાંગ્લાદેશ સામે 2 મેચનો સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડ સામે જયવાલે 9 ઇનિંગ્સમાં 712 રન બનાવ્યા છે જેમાં 3 અડધી સદી અને 2 બેવડી સદી સામેલ છે. તેણે આ વર્ષે ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ રન બનાવ્યા છે.