અમદાવાદ: મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઠેર ઠેર વાહન ચાલકોને શાંતિપૂર્વક વાહન હાંકવા અને પતંગની ઘાતક દોરીથી બચવા માટે સલાહ સૂચનો આપવામાં આવી રહ્યા છે. આ વચ્ચે અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરીને માનવતા મહેકાવવામાં આવી છે.
પોલીસે માનવતા બતાવી, વિધાર્થીઓ સાથે મળી કર્યું એક કામ: દર વર્ષે જ્યારે મકરસંક્રાંતિનો તહેવાર આવે છે ત્યારે કેટલાક એવા કિસ્સાઓ બનતા હોય છે જેમાં પશુ-પક્ષીઓની સાથે વાહન ચાલકો પણ ક્યાંકને ક્યાંક ઘાતક દોરીનો શિકાર બનતા હોય છે. તેઓ ગળામાં દોરી ફસાવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે. પરિણામે આવી ઘટનાઓ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મકરસંક્રાંતિનો તહેવાર લોકો મનાવી શકે તે માટે પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
વાહન ચાલકોને મફતમાં સેફટી ગાર્ડ વિતરણ: અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામોલ પોલીસ સ્ટેશનની ટીમ, સ્ટુડન્ટ, પોલીસ કેડેટ, જાગૃત નાગરિકો (પોલીસ મિત્રો) સહિત શાંતિ સ્કૂલ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત હદ વિસ્તારમાંથી પસાર થતાં તમામ વાહન ચાલકોને મફતમાં સેફટી ગાર્ડ લગાડી આપવામાં આવી રહ્યા છે.
એક જ દિવસમાં 25 થી 30 સેફટી ગાર્ડ વિતરણ કર્યા: આ અંગે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાવલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "ઝોન પાંચ વિસ્તારના રામોલ પોલીસ સ્ટેશન દ્વારા તારીખ 8 જાન્યુઆરીના રોજ એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ઉત્તરાયણના તહેવારમાં લોકો દ્વારા પતંગ ઉડાડવામાં આવે અને તેના દોરા રોડ ઉપર ફરતા હોય છે, આ દોરા લોકોના ગળામાં આવીને લોકોને ઇજા થવાના બનાવો અવારનવાર દર ઉત્તરાયણમાં બનતા હોય છે. તેને અનુલક્ષીને આવા બનાવો ન બને, તેનું પ્રીવેન્શન થાય તેના માટે રામોલ પોલીસ સ્ટેશન દ્વારા સેફટી ગાર્ડનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક જ દિવસમાં 25 થી 30 જેટલા વાહનોમાં સેફ્ટીગાર્ડ લગાવવામાં આવ્યા હતા."
એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ પણ આપણે નિભાવવાની છે:
વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "રામોલ પોલીસ સ્ટેશન તથા અમદાવાદ શહેર પોલીસ સ્ટેશન વતી હું જાહેર જનતાને અપીલ કરું છું કે, તહેવાર છે તો આપણે આનંદ મંગલ રાજી-ખુશીથી ઉજવવાનો છે, પણ એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ પણ આપણે નિભાવવાની છે. આપણે પોતાની સેફ્ટીનું તથા આજુબાજુના વાતાવરણમાં જે પશુ-પક્ષીઓ ફરતા હોય તેમની પણ સેફ્ટીનું આપણે ધ્યાન રાખવાનું છે અને જવાબદારી પૂર્વક હર્ષોલ્લાસ સાથે આપણે તહેવાર ઉજવવાનો છે."
આ પણ વાંચો: