નવી દિલ્હી : ભારત માટે એક સારા સમાચાર છે ! વિશ્વના સૌથી મોટા ફાર્માસ્યુટિકલ સપ્લાયર તરીકે ભારતની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે. વર્ષ 2023માં 27 અબજ ડોલરની ફાર્માસ્યુટિકલ નિકાસનો આંકડો વર્ષ 2030 સુધીમાં 65 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. વધુમાં વર્ષ 2047 સુધીમાં તે વધીને 350 બિલિયન ડોલર થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝન હેઠળ આ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રિપોર્ટ શું કહે છે : ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA), ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IDMA) અને ફાર્મેક્સિલના સહયોગથી બેન એન્ડ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટમાં રૂપરેખા આપવામાં આવી છે કે, કેવી રીતે સ્પેશૅલિટી જેનરિક, બાયોસિમિલર અને ઈનોવેટિવ ઉત્પાદનોનો સમાવેશ કરવા માટે તેની એક્સપોર્ટ બાસ્કેટમાં ઈનોવેશન અને વૈવિધ્યીકરણ કરીને ભારત 2047 સુધીમાં નિકાસ મૂલ્યમાં ટોચના પાંચ દેશોમાં કેવી રીતે પહોંચી શકે છે. હાલમાં ભારત નિકાસ મૂલ્યના સંદર્ભમાં 11 મા ક્રમે છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, "ભારત લાંબા સમયથી વિશ્વની ફાર્મસી છે. સરકાર નવીનતા અને સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપીને અને સીમલેસ રેગ્યુલેટરી પ્રક્રિયાઓને સુનિશ્ચિત કરીને આ ધ્યેય હાંસલ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શિક્ષણ અને ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગને મજબૂત કરીને અમે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્ષેત્રનું નિર્માણ કરવાનું ચાલુ રાખીશું, જે વૃદ્ધિને આગળ વધારશે અને સમગ્ર વિશ્વમાં આરોગ્ય સંભાળમાં યોગદાન આપશે."
નિકાસ કેટલી વધી શકે છે ? ભારતીય કંપનીઓ હાલમાં વૈશ્વિક બાયોસિમિલર માર્કેટમાં 5 ટકાથી ઓછો હિસ્સો ધરાવે છે. R&D રોકાણમાં વધારો 40 થી વધુ ઉત્પાદનોની વિસ્તૃત પાઇપલાઇન અને આગામી 3-4 વર્ષમાં આયોજિત ક્ષમતા વધારાને કારણે પ્રગતિ દેખાઈ રહી છે. અહેવાલ જણાવે છે કે ભારતીય બાયોસિમિલર નિકાસ હાલમાં $0.8 બિલિયન છે. 2030 સુધીમાં તે 5 ગણો વધીને $4.2 બિલિયન થવાનો અંદાજ છે અને 2047 સુધીમાં નિકાસ $30-35 બિલિયન સુધી પહોંચી શકે છે.