અમદાવાદ : સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025 નો આઠમા દિવસ શાસ્ત્રીય વોકલ અને પંડિત હરિપ્રસાદ ચોરસિયાના વાંસળી વાદન થકી રસમય બન્યો હતો. સત્રના આરંભે નીરજ પરીખના ગાનથી શ્રોતાઓ રસતરબોળ બન્યા હતા. 45માં સપ્તકના આઠમા દિવસે દિગ્ગજ કલાકારોએ દર્શકોને પોતાની રસપ્રદ રજૂઆત થકી મોહી લીધા હતા.
સપ્તકનું પ્રથમ સત્ર: વોકલ
સપ્તક વાર્ષિક સંગીત સમારોહની આઠમી રાત્રી શાસ્ત્રીય વોકલ માટે યાદગાર બની. સત્રના આરંભે નીરજ પરીખે રાગ ભોપાલી રજૂ કર્યો હતો, તેમની સાથે અમી પરીખે વોકલમાં સાથ આપ્યો, તો માતંગ પરીખે તબલા પર અને શિશિર ભટ્ટે હાર્મોનિયમ પર રંગત જમાવી હતી. નીરજ પરીખે સત્ર આરંભે ભોપલી રાગથી ઠંડીના માહોલમાં ઊર્જા ભરી હતી. નીરજ પરીખે ત્રિપુરારી બંદિશ બાદ હવેલી સંગીતની પરંપરાના રાગ આદિ વસંતમાં પોતાની રસમય રજૂઆત કરી સૌ શ્રોતાઓના દિલ જીત્યા હતા.
બીજા સત્રમાં સપ્તક "હરિ"મય બન્યું
દેશના પ્રસિદ્ધ વાંસળી વાદક પંડિત હરિપ્રસાદ ચોરસીયાએ પોતાના અનુખા વાંસળી વાદન થકી સપ્તકના આઠમા દિવસની દ્વિતીય બેઠકને ચાર ચાંદ લગાવી દીધા હતા. 86 વર્ષની ઉંમર ધરાવતા પંડિત હરિપ્રસાદ ચોરસિયાએ આરંભમાં રાગ જોગ અને ત્યારબાદ રાગ હંસ ધ્વનિમાં વાંસળીના સૂર રેલાવ્યા, જેના થકી સભાને ગોકુળ બનાવ્યું. હરિજીને તબલા પર પંડિત રામકુમાર મિશ્રાજીએ સંગત આપી હતી. પંડિત હરિપ્રસાદ ચોરસિયા સાથે સંગીત અને તેમના વાંસળી વાદન પર વિશેષ સંવાદ થયો હતો.
"સંગીતને પ્રકારમાં ન વહેંચી શકાય, સંગીત એક લાગણી છે" : અશ્વિની ભીડે દેશપાંડે
સપ્તકના આઠમા દિવસે અંતિમ સત્રમાં વોકલ કલાકાર અશ્વિની ભીડે દેશપાંડેએ વિવિધ રાગની રજૂઆત કરી હતી. અશ્વિનીજીએ રાગ જય જયવંતી થકી શ્રોતાઓના મન મોહી લીધા હતા. અશ્વિનીજીની સંગતમાં તબલા પર રામદાસ પલસુલે અને હાર્મોનિયમ પર સિદ્ધેશ બિચોલકર હતા. આ બંને કલાકારોએ Etv Bharat સાથે વિશેષ સંવાદ કર્યો હતો.