નવી દિલ્હીઃમહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે તેની ત્રીજી મેચમાં શ્રીલંકા પર જીત મેળવી છે. ભારતે શ્રીલંકા સામે 82 રને જીત મેળવીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકા માત્ર 90 રન જ બનાવી શકી હતી.
આ ટૂર્નામેન્ટમાં ભારતનો આ બીજો વિજય છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું અને તેની પહેલી જ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે હાર સાથે ટીમ ઈન્ડિયાનો સેમીફાઈનલમાં જવાનો રસ્તો થોડો મુશ્કેલ બની ગયો હતો.
મેચ હાઈલાઈટ્સ:
પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌરની અડધી સદીની મદદથી 172 રન બનાવ્યા હતા. મંધાનાએ 38 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 50 રનની ઇનિંગ રમી હતી. હરમનપ્રીતે 27 બોલમાં 1 સિક્સ અને 8 ફોરની મદદથી 52 રન બનાવ્યા હતા. જ્યારે શેફાલી વર્માએ 43, જેમિમાહ રોડ્રિગ્સે 16 અને રિચા ઘોષે 6 રન બનાવ્યા હતા.
ભારતની બોલિંગની વાત કરીએ તો અરુંધતિ રેડ્ડી અને આશા શોભનાએ 3-3 વિકેટ લીધી હતી જ્યારે રેણુકા સિંહે 2 અને શ્રેયંકા પાટિલ અને દીપ્તિ શર્માએ 1-1 વિકેટ લીધી હતી. શ્રીલંકાની ટીમ ભારતીય બોલિંગ સામે લાચાર દેખાતી હતી અને માત્ર 90 રને સંપૂર્ણ ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતીય ટીમ તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં રવિવાર, 13 ઑક્ટોમ્બરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.ભારતે સેમીફાઈનલમાં પહોંચવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. જો ટીમ ઈન્ડિયા તે મેચ હારી જશે તો તે સેમીફાઈનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે.
આ પણ વાંચો:
- 'એક યુગનો અંત…' અનુભવી ખેલાડીઓએ સોશિયલ મીડિયા દ્વારા 'સર રતન ટાટા'ના નિધન પર શોક વ્યક્ત કર્યો
- બીજી ટી20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 87 રને હરાવ્યું, નીતિશ-રિંકુની જોડીએ ધૂમ મચાવી…