ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણીએટલે કે, સંસદની ચૂંટણી યોજાઈ રહી છે. ભારે અરાજકતા અને હિંસક ઘટનાઓના પડકારો વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે. સતત ધ્રુવીકરણ અને હિંસા દેશ માટે ગંભીર પડકારો ઉભી કરી રહી છે. દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવા માટે 'કંટ્રોલ રૂમ' ઉભો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનું ગૃહ મંત્રાલય મતદાન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યું છે.
266 બેઠકો માટે 5121 ઉમેદવારે મેદાનમાં:પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 90,675 મતદાન મથકો પર મતદાન કરવામાં આવશે. આ ચૂંટણીમાં કુલ 5121 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ ચૂંટણીઓ પાકિસ્તાનની નીચલી સંસદ નેશનલ એસેમ્બલી માટે યોજાઈ રહી છે. સામાન્ય બેઠકોની સંખ્યા 266 છે, આ બેઠકો માટે જ ચૂંટણી યોજાઈ રહી છે. આ ઉપરાંત પાકિસ્તાનની ચાર પ્રાંતીય એસેમ્બલીની 593 સામાન્ય બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે. જેમાં કુલ 12695 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણી ન થાય ત્યાં સુધી મીડિયા પર તમામ પ્રકારના સર્વે પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના સર્વોચ્ચ નેતા નવાઝ શરીફ અભૂતપૂર્વ ચોથી વખત કાર્યકાળ સંભાળવા માટે થનગની રહ્યાં છે. ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત જાહેર થયા બાદ લંડનમાં ચાર વર્ષનો દેશવટો ભોગવ્યા બાદ તેમણે રાજકારણમાં મજબૂત પુનરાગમન કર્યું છે. ઑક્ટોબરમાં પાકિસ્તાન પરત ફર્યા પછી, અદાલતોએ તેમની મોટાભાગની સજાને પલટાવી દીધી, અને તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપી.
બીજી તરફ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સ્થાપક અને દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક ગણાતા ઈમરાન ખાન ઘણા આરોપોમાં અદિયાલા જેલમાં બંધ છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે અને સિફર કેસમાં 10 વર્ષની, તોશાખાના કેસમાં 14 વર્ષની અને 'બિન-ઈસ્લામિક' લગ્નના કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે.
વધુમાં, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પાર્ટીના પ્રતિકાત્મક 'બેટ' ચિન્હને રદ કરવાના પાકિસ્તાનના ચૂંટણી પંચના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જો કે, ખાને કહ્યું છે કે તેમની સામેના તમામ કેસો 'રાજકીય રીતે પ્રેરિત' છે અને દાવો કર્યો છે કે તેમની પાર્ટી પીટીઆઈ 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં બધાને આશ્ચર્યચકિત કરશે.
પાકિસ્તાનમાં 1970માં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામોને કારણે પાકિસ્તાનનું વિભાજન થયું અને બાંગ્લાદેશનો જન્મ થયો. 1977ની સામાન્ય ચૂંટણીમાં પીપીપીના ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લાગ્યો હતો. સેનાએ સત્તા કબજે કરી.