ઇસ્લામાબાદ : પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો વાગોળ્યો છે, સાથે જ ભારત સાથે વાતચીત કરવાની જરૂરિયાતનો પણ પુનરોચ્ચાર કર્યો છે. કાશ્મીર એકતા દિવસના અવસર પર મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની એસેમ્બલીના વિશેષ સત્રને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આ વાત કહી.
કાશ્મીર એકતા દિવસ : તમને જણાવી દઈએ કે, કાશ્મીર એકતા દિવસ દર વર્ષે પાકિસ્તાન દ્વારા કાશ્મીરીઓ પ્રત્યે સમર્થન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ તકે પીએમ શાહબાઝે કહ્યું કે, અમે કાશ્મીર સહિત તમામ મુદ્દાઓનું સમાધાન વાતચીત દ્વારા ઈચ્છીએ છીએ.આ દેશ કાશ્મીર સહિત અન્ય તમામ મુદ્દાઓ ભારત સાથે વાતચીત દ્વારા ઉકેલવા માંગે છે. કાશ્મીરી લોકો પ્રત્યે સમર્થન વ્યક્ત કરીએ છીએ.
પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો : ભારતીય બંધારણની કલમ 370 નાબૂદ કરવાનો ઉલ્લેખ કરતાં પીએમ શાહબાઝે કહ્યું કે, ભારતે 5 ઓગસ્ટ, 2019 ની વિચારસરણીમાંથી બહાર આવવું જોઈએ અને સંયુક્ત રાષ્ટ્રને આપેલા વચનો પૂરા કરવા જોઈએ અને વાતચીત શરૂ કરવી જોઈએ. નોંધનીય છે કે ભારતે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર ભારતીય બંધારણની કલમ 370ને રદ્દ કરી દીધી હતી. ઉપરાંત, તત્કાલીન રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું.
ભારત સાથે વાતચીતનો પુનરોચ્ચાર કર્યો : પીએમ શરીફે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન માટે આગળ વધવાનો એકમાત્ર રસ્તો વાતચીત છે. આ 1999ના લાહોર ઘોષણાપત્રમાં પહેલેથી જ લખવામાં આવ્યું હતું અને જે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પાકિસ્તાન મુલાકાત દરમિયાન સંમત થયા હતા. ભારતે વારંવાર કહ્યું છે કે તે પાકિસ્તાન સાથે આતંકવાદ, દુશ્મનાવટ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં સામાન્ય પાડોશી તરીકે સંબંધો ઈચ્છે છે.
કલમ 370 નાબૂદી પર કરી વાત : એટલું જ નહીં, ભારતે પાકિસ્તાનને વારંવાર કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો દેશના અભિન્ન અંગ હતા, છે અને રહેશે. તે જ સમયે, ભારત દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી, બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. શાહબાઝ શરીફે ભારત પર હથિયારો એકઠા કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, હથિયારો એકઠા કરવાથી શાંતિ નહીં આવે અને આ વિસ્તારના લોકોનું ભાગ્ય બદલાશે નહીં.
ભારતને સમજદારીથી કામ લેવા વિનંતી : પાક પીએમ શાહબાઝ શરીફે ભારતને સમજદારીથી કામ લેવા વિનંતી કરતા કહ્યું કે, પ્રગતિનો માર્ગ શાંતિ છે. પાકિસ્તાન જ્યાં સુધી કાશ્મીરીઓને તેમનો આત્મનિર્ણયનો અધિકાર પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી તેમનું નૈતિક, રાજદ્વારી અને રાજકીય સમર્થન ચાલુ રાખશે. કાશ્મીર મુદ્દાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ હેઠળ આત્મનિર્ણયનો અધિકાર છે. આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ માટે કાશ્મીરીઓને સ્વતંત્રપણે તેમના ભાવિ નક્કી કરવા દેવા માટે ભારત પર દબાણ કરે.