હૈદરાબાદ:ગઈકાલે (4 જાન્યુઆરી) સંગીત નિર્દેશક આરડી બર્મનની પુણ્યતિથિ હતી. તેમણે 4 જાન્યુઆરી 1994ના રોજ દુનિયાને હંમેશા માટે અલવિદા કહ્યું હતું. મ્યુઝિક ડિરેક્ટરે 1980માં પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે સાથે લગ્ન કર્યા હતા. તેમની પુણ્યતિથિ પર અમે તમને સંગીત નિર્દેશક વિશે એવી જ એક વાત જણાવીશું જે કદાચ જ તમે જાણતા હશો. આવો અમે તમને આરડી બર્મન અને આશા ભોંસલેની એક રસપ્રદ કિસ્સો જણાવીએ...
આરડી બર્મન અને આશા ભોંસલેના ઘણા રસપ્રદ કિસ્સાઓ છે. આરડી બર્મનના નિધન પછી, અહેવાલો વાયરલ થયા હતા કે, સંગીત નિર્દેશકે તેમની ગાયિકા પત્ની માટે તેમના બેંક લોકરમાં માત્ર 5 રૂપિયા જ રાખ્યા હતા. આ સમાચારે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, આશા ભોંસલેએ એક ઈન્ટરવ્યુ દ્વારા આ વાયરલ સમાચારોને ફગાવી દીધા હતા. તેણે ઈન્ટરવ્યુમાં કહ્યું કે, આ માત્ર મજાક છે. બર્મન અને આશા ભોંસલે 1980માં લગ્નના બંધનમાં બંધાયા હતા. જો કે, લગ્નના થોડા વર્ષો બાદ તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા.
આશા ભોંસલેએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં પોતાની અને આરડી બર્મનની પહેલી મુલાકાત વિશે ખુલીને વાત કરી હતી. તે દિવસોને યાદ કરતાં આશા ભોંસલે કહ્યું કે, એક છોકરો મારી પાસે આવ્યો અને મારો ઓટોગ્રાફ માંગ્યો. તે છોકરાએ કહ્યું કે, તેણે રેડિયો પર મારું મરાઠી નાટક સંગીત સાંભળ્યું હતું. તે છોકરાએ કહ્યું કે, તે કોલકાતામાં અભ્યાસ કરતો હતો, જે તેણે છોડી દીધું હતું. મેં તેને કહ્યું કે, તારે ગ્રેજ્યુએશન પૂરું કરવું જોઈએ. રેકોર્ડિંગના બાકીના સમય સુધી તે મારાથી નારાજ રહ્યો.