નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય પ્રસંગોએ ચમકદાર અને રંગબેરંગી પાઘડી પહેરવાની પોતાની પરંપરા ચાલુ રાખી અને 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તેજસ્વી લાલ અને પીળી પાઘડી પસંદ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનાર શહિદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા.
પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
શ્રદ્ધાંજલિ આપ્યા પછી, તેઓ વાર્ષિક પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા.આ પહેલા રવિવારે પીએમ મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, "આજે આપણે આપણા ભવ્ય પ્રજાસત્તાકની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રસંગે, આપણે તે બધા મહાન વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જેમણે આપણું બંધારણ બનાવ્યું અને ખાતરી કરી કે, આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા પર આધારિત હોય."
વડાપ્રધાને X પર લખ્યું કે, "અમે આશા રાખીએ છીએ કે, આ રાષ્ટ્રીય ઉજવણી આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે."