સુરેન્દ્રનગર: જિલ્લાના પાટડી તાલુકાના એક જિલ્લા પંચાયત સાથે જોડાયેલા મહિલા નેતાના પતિને હનીટ્રેપમાં શિકાર બનાવવાની ઘટના સામે આવી હતી. જેમાં પકડાયેલા 3 આરોપીઓમાંથી ઇમરાને ફરિયાદીને હનીટ્રેપનો વીડિયો બતાવીને મુખ્ય આરોપી ભરત ઠક્કર સાથે વાત કરી રૂ. 10 લાખની ડીલ કરી હતી. હાલમાં આ કેસમાં પકડાયેલા વચેટિયા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જયારે આ કેસના મુખ્ય આરોપી માલતી અને ભરત ઠક્કર પકડાયા પછી આખુ રેકેટ બહાર આવે તેમ છે.
હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માંગણી કરી: પોલીસ ફરિયાદના આધારે પાટડી તાલુકાના વતની અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા નેતાના પતિ હનીટ્રેપની જાળમાં ફસાયા હતા. જેમાં તેઓને આરોપી યુવતીએ મોબાઈલ ફોનથી વીડિયો કોલથી છોકરી બતાવીને રુ. 5 હજાર લઈને 22 વર્ષની છોકરીને મોકલીને તેમનો અશ્લિલ વીડિયો બનાવી લીધો હતો. આરોપીઓએ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રુ. 10 લાખની માંગણી કરી હતી.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરી: આ બનાવ અંગે ફરિયાદીએ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ વચેટિયા આરોપી બેચરાજીના દશરથ ભલાભાઈ પટેલ અને બજાણાના ઇમરાન અસ્લમ રાઠોડ અને વિરમગામના સોહીલ પ્રવીણભાઈ ઠક્કરને ઝડપી પાડ્યા હતા. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું કે, આરોપીઓ અગાઉ તેમની પાસેથી નાણા માંગતા હતા. માટે આરોપીઓ નેતાના પતિ પાસેથી રુપિયા લેવા ગયા હતા. જે બાદ પોલીસે આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા સત્ય બહાર આવ્યું હતું.
કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા: આરોપી ઈમરાને ફરિયાદીને હની ટ્રેપનો વીડિયો બતાવીને મુખ્ય આરોપી ભરત સાથે વાત કરીને રુ.10 લાખની માંગણી કરી હતી. વચેટિયા આરોપીઓ પાસેથી મુખ્ય આરોપીની વિગતો મેળવીને પોલીસે 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કેસના મુખ્ય આરોપી માલતી અને ભરત ઠક્કર સહીત અજાણી યુવતી પકડાયા પછી આખુ રેકેટ બહાર તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને અન્ય લોકોને પણ તેઓએ શિકાર બનાવ્યા છે કે કેમ, ત્યારે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી આ કેસના અન્ય આરોપીઓને ઝબ્બે કરવા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: