નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનના 2 મહત્વના હોલ 'દરબાર હોલ' અને 'અશોકા હોલ'નું નામ બદલવામાં આવ્યું છે. દરબાર હોલ હવે 'ગણતંત્ર મંડપ' તરીકે ઓળખાશે અને અશોક હોલ 'અશોક મંડપ' તરીકે ઓળખાશે. રાષ્ટ્રપતિ ભવન એ ભારતના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસસ્થાન હોવા ઉપરાંત રાષ્ટ્રનું પ્રતીક અને દેશની અમૂલ્ય ધરોહર છે. સરકારના આ નિર્ણયને વિરોધ પક્ષોએ વખોડી કાઢ્યો છે. આ અંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે, દરબારનો કોઈ ખ્યાલ નથી, પરંતુ શહેનશાહનો ખ્યાલ છે.
રાષ્ટ્રપતિ કાર્યાલયના નિવેદન અનુસાર જનતા માટે તેને વધુ સુલભ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના વાતાવરણને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને નૈતિકતાનું પ્રતિબિંબિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. જે સંદર્ભે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હોલ - 'દરબાર હોલ' અને 'અશોકા હોલ'ના નામ બદલીને 'ગણતંત્ર મંડપ' અને 'અશોક મંડપ' કરવા માટે તૈયાર થયા છે.