વડોદરા: શહેરના દરજીપુરા સ્થિત એરફોર્સ સ્ટેશનમાં આજે 22 જાન્યુઆરીએ એર ડે શોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. આ એર શોમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ કરતબ યોજી લોકોને રોમાંચિત કરી દીધા હતાં. ખાસ તો ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવ્યાં હતાં જે નિહાળીને સૌ કોઈ દંગ રહી ગયા હતાં. 14 વર્ષ બાદ પ્રથમવાર એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ટ્રાય કલર ડિસ્પ્લે રજૂ કરી હતી.
ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનો ૨૦૨૫નો પ્રથમ શો
આ એર શોમાં ઈન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT)નું હોક MK 132 વિમાનો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં 9 હોક વિમાનો અને 14 પાઇલટ હતાં, જેઓએ આજે શોર્ય અને ભારતની શક્તિનું પણ પ્રદર્શન કર્યું હતું. આ શો લગભગ 40 મિનિટ સુધી ચાલ્યો હતો. વર્ષ- 2025નો ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનો આ પહેલો શો હતો.
અત્યાર સુધી 700 ઉપરાંત પર્ફોર્મન્સ આપ્યાં
વર્ષ 1996માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરુદ પ્રાપ્ત કયું છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણવામાં આવે છે. આ ટીમે અત્યાર સુધીમાં ભારતમાં તેમજ વિદેશમાં ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 ઉપરાંત પર્ફોર્મન્સ આપ્યાં છે. આ ટીમ તેમના સૂત્ર "સર્વદા સર્વોત્તમ" દ્વારા માર્ગદર્શિત છે જેનો અર્થ છે 'હંમેશાં શ્રેષ્ઠ' જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે છે.આવનાર પેઢીને પણ પ્રોત્સાહન મળે તેવા પણ પ્રયત્નો કર્યા છે.
22 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે આ એર શૉ શરૂ થયો હતો. આગામી 25-26 જાન્યુઆરી, 2025 દરમિયાન જામનગર, 29 જાન્યુઆરી 2025ના રોજ નલિયા અને 31 જાન્યુઆરી, 2025થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભુજમાં એર શોનું આયોજન કરવામાં આવશે. આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે. જેથી દર્શકો માટે તે યાદગાર બની રહેશે. તેઓ લોકપ્રિય DNA દાવપેચ પણ રજૂ કરશે, જેમાં 5 વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવશે. મહત્વપૂર્ણ છે કે, આ એર શોની ટીમમાં એક ગુજરાતી પાયલોટ અર્જુન પટેલ પણ જોડાયો હતો. જે ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત કહી શકાય.
એર શોને લઈને લોકોમાં ઉત્સુક્તા
ભારતીય વાયુસેનાના એર શૉ પૂર્વે મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ શહેરના નેશનલ હાઇવે 48 સામે આવેલા પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે જોવા મળી હતી. એર શો શરૂ થાય તે પહેલાં જ શહેરના તેમજ આસપાસના લોકો ઉમટી પડ્યા હતાં. જેના કારણે હાઈવે ઉપર ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. 14 વર્ષ બાદ આવો નજારો વડોદરા શહેર માટે યાદગાર બની ગયો હતો. આસપાસના રહેણાંક વિસ્તારના લોકો પણ આ નજારાને નિહાળવા માટે પોતાના મકાનની અગાસીઓ અને ધાબા પર ચડીને આ અદભૂત નજારો નિહાળ્યો હતો