અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અનેક શહેરોમાં ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ કમિટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
Etv ભારતના સંવાદદાતાએ અમદાવાદના ગોમતીપુરમાં ડિમોલિશનની કાર્યવાહી પર પ્રશ્ન પૂછ્યો ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે તમે જનહિતના નામે કોઈપણ નાગરિકને હેરાન કરી શકો નહીં. તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે અને પૂરો સમય આપવો પડશે. તેના વિના ડિમોલિશન થશે નહીં. ગુજરાતની અંદર રબારી કોલોની, અંબાજી, પોરબંદર દ્વારકા, ઓખા, બેટ દ્વારકા ભાવનગર ગોમતીપુરમાં ડિમોલેશન કરવાહી કરવામાં આવી છે. આ સરકાર સર્વોચ્ચ અદાલતના કાયદાનું પણ પાલન કરતી નથી. અમે અમારા વકીલ સાથીદારો સાથે પણ આ અંગે ચર્ચા કરી છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છતાં ગુજરાતમાં શું થઈ રહ્યું છે? આવી રીતની ડિમોલેશન કાર્યવાહી અમાનવીય છે, સુપ્રીમ કોર્ટના આદેશનો તિરસ્કાર છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલ કાલિદાસ મિલ ચાર રસ્તાથી ચારતોડા કબ્રસ્તાન થઈ અંબિકા ચાર રસ્તા સુધી આર.ડી.પી રોડ લાઈનને લઈને મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદે 45 જેટલા રહેણાંક મકાનો 115 કોમર્શિયલ દુકાનો અને 10 ધાર્મિક બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા.
શક્તિસિંહ ગોહિલ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ કમિટી
આપને જણાવી દઈએ કે, કાલિદાસ મિલ ચાર રસ્તાથી ચારતોડા કબ્રસ્તાન થઈ અંબિકા ચાર રસ્તા સુધી 30.50 મીટર આર.ડી.પી રોડ લાઈનને લઈને આ વિસ્તારના ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ સાથે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. આ રોડ લાઈનને મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2006 માં મંજૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્લોટના માલિકોને 2006માં જ નોટિસ આપી વાંધા સૂચનો મંગાવ્યા હતા અને હાલમાં જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વાંધા સૂચનોનું નિકાલ કરીને જમીનનો કબજો લેવા માટે મંજૂરી આપવામાં આવી હતી. નોટિસ સામે અરજદારો દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. હાઇકોર્ટ પિટિશનનો નિકાલ કર્યો હતો.
મહત્વની વાત એ છે કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની સરકાર દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેના કારણે સારંગપુર બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. સારંગપુર બ્રિજ બંધ કરતા હાલમાં બધો જ ટ્રાફિક ચારતોડા રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા મોટા પાયે ઊભી થઈ છે. જેના કારણે રોડ લાઈન ખોલવાની જરૂરિયાત ઊભી થતા બાંધકામો તોડવાની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં આ રોડ પર આવતા 45 જેટલા રહેણાક મકાનો 115 જેટલા કમર્શિયલ બાંધકામો અને 10 જેટલા ધાર્મિક પ્રકારના બાંધકામો દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાઇ હતી. 170 જેટલા બાંધકામોને તોડી પાડવા માટે મેગા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી. જે વાતની પુષ્ટિ એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવી છે.