બારડોલી: બારડોલીના બાબેનમાં રહેતો યુ ટ્યુબર કોમેડિયન ફેનિલ દેસાઈ મોડી રાતે પોતાની કારમાં નશાયુક્ત હાલતમાં મિત્ર સાથે લટાર મારવા નીકળ્યો હતો. તેણે પોતાની કાર સર્પાકાર રીતે હંકારી હતી. પોલીસે ઈશારો કર્યા છતાં ઊભો ન રહ્યો અને કાર હંકારીને ભાગી છૂટ્યો હતો. જેને પગલે બારડોલી પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડયો હતો. ફેનિલ દેસાઈ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કાર દેખાઈ
આ બનાવ અંગે પોલીસ પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર, બારડોલી ટાઉન પોલીસ રાત્રે બારડોલીના સુરતી નાકા વિસ્તારમાં લીનિયર બસ સ્ટેન્ડ સામેના રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી. તેવા સમયે તેઓને એક કાર સર્પાકાર રીતે ઝડપભેર આવતી જોવા મળી હતી. પોલીસે ઈશારો કરી કાર થોભાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગભરાયેલા ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા તેનું વાહન લઈને ભાગી છૂટ્યો હતો.
કારમાંથી યુ-ટ્યુબર નશાની હાલતમાં ઝડપાયો
પોલીસને શંકા જતા પીછો કરીને ભાગેડુ કારની ઝડપી તપાસ કરતા કારનો ચાલક કોમેડિયન ફેનિલ દેસાઈ નશાયુક્ત હાલતમાં જણાયો હતો. પોલીસે તેની સાથે કારમાં સવાર હર્ષ દિલીપ દેસાઈની તપાસ કરતા તે પણ નશાયુક્ત હાલતમાં જણાયો હતો. પોલીસે બંનેને અટકાયતમાં લઈ ફેનિલ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને એમ.વી.એક્ટ મુજબ તથા હર્ષ દેસાઈ વિરુદ્ધ નશો કરવા બાબતે અલગ અલગ ફરિયાદો દાખલ કરી હતી. અનેક કૉમેડી વીડિયો બનાવી યુટ્યુબ એપ્લિકેશન દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડતો ફેનિલ દેસાઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુનામાં ઝડપાતા બારડોલીમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો: