નડિયાદ: શહેરના કુખ્યાત બુટલેગર દ્વારા એક પરિણીતા પર અવારનવાર દુષ્કર્મ ગુજારનાર સામે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આકરી કાર્યવાહી કરતા બુટલેગરની આગવી સરભરા કરવામાં આવી હતી. કુખ્યાત બુટલેગર રઈશ મહિડા દ્વારા પીડિતાનો પતિ વિકલાંગ હોઈ તેને નુકસાન પહોંચાડવાનો ડર બતાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ છે.
પરિણીતા પાસેથી પૈસા પણ પડાવ્યા
પીડિતા પાસેથી વારંવાર રૂપિયા લઈ અંદાજે દસ લાખ જેટલા રૂપિયા પણ લઈ લીધા હોવાનું પણ પીડાતા દ્વારા ફરિયાદમાં જણાવાયું છે.પીડિતાને ધમકીઓ આપી તેણીને માર મારતા ત્રસ્ત બની પીડિતાએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદને આધારે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડ્યો હતો અને મામલાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા ડીવાયએસપીના સુપરવિઝનમાં તપાસ સોંપવામાં આવી હતી.
ધાક ધમકી આપી અવારનવાર આચર્યુ દુષ્કર્મ
પીડિતાની ફરિયાદ મુજબ આરોપી બુટલેગરે પોતે અન્ય ધર્મનો હોવાની ઓળખ છુપાવી હતી. તેણે પીડિત પરિણીતા સાથે પરિચય કેળવ્યો હતો. જેને લઈ અવારનવાર તે પરિણીતાને ઘરે આવતો જતો હતો. ત્યાર બાદ અલગ-અલગ બહાના બતાવી પરિણીતા પાસેથી અનેક વખત ઉછીના રૂપિયા તરીકે દસેક લાખ રૂપિયા પડાવ્યા હતા. દરમિયાન પીડિના ઘર પર પથ્થર મારી અપશબ્દો બોલી બદનામ કરવાની પણ ધમકી આપતો હતો.
પોલિસે કાઢ્યું આરોપીનું સરઘસ
સમગ્ર મામલે પોલીસે ત્વરિત એક્શન લઈ આરોપીની અટક કરી હતી. પીડિતાને ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવા સહિતની કામગીરી હાથ ધરાઈ રહી છે. બીજી તરફ નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા આરોપી બુટલેગરનું સરઘસ કાઢી આરોપીને રીકન્સ્ટ્રક્શન કરાવવા માટે પીજ રોડ પર લઈ જવાયો હતો. હાલ પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. કુખ્યાત બુટલેગર રઈશ મહીડા જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે.તેની ઉપર દારૂ જુગારના અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે.
પીડિતાના ન્યાય માટે પોલીસની કાર્યવાહી
આ બાબતે એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. જેમાં બળાત્કાર અંગેની ફરિયાદ પીડિત મહિલાએ આપેલી છે. જે અંતર્ગત આરોપી છે રઈશ જશભાઈ મહીડા વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ તાત્કાલિક આરોપીની અટક કરેલી છે. આગળ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગી આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે. વૈજ્ઞાનિક પુરાવા,અન્ય સાંયોગિક પુરાવા તમામ પુરાવા મેળવી અને ખૂબ સારી રીતે તપાસ થાય ડીવાયએસપીના સુપરવિઝનમાં તપાસ સોંપવામાં આવેલી છે. યોગ્ય તપાસથી કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે અને પીડિતાને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો કરાઈ રહ્યા છે.