બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના દીપાસર ગામમાં છેલ્લા 8 મહિનાથી મકાન ભાડે રાખી પરપ્રાંતિયો ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા હોવાની સાયબર રેન્જ ભુજને બાતમી મળી હતી. જેમાં મકાન ભાડે રાખીને નાગાલેન્ડ, મિઝોરમ, ઉત્તર પ્રદેશ અને અમદાવાદ અને આણંદના યુવક યુવતીઓ ફોન દ્વારા વિદેશના લોકોને લોન આપવાનું કહી ફ્રોડ કરતાં હોવાની માહિતી મળતા જ ભુજ રેન્જની ટીમે રેડ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ભુજ રેન્જ ટીમે 16 જેટલા લોકોની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે.
કોલ સેન્ટર ચલાવતા યુવક યુવતીઓની ધરપકડ: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના દીપાસર ગામેથી ભુજ રેન્જે ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. વાવના દીપાસર ગામે છેલ્લા 8 મહિનાથી ધમધમતા કોલસેન્ટરની એક જાગૃત નાગરિકે જાણ કરી હતી. મળેલી બાતમીના આધારે ભુજ રેન્જ ટીમે દીપાસર ગામના ખેતરમાં આવેલા મકાનમાં રેડ પાડીને 16 જેટલા પરપ્રાંતિય યુવક યુવતીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
કોર્ટમાં રિમાન્ડની માંગ: પોલીસે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા, જેમાંથી વાવ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભુજ રેન્જની ટીમે 16 યુવક યુવતીઓ પાસેથી 25 લેપટોપ, 30 મોબાઈલ ફોન સહિત અન્ય સાધન સામગ્રી મળી કુલ 8.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભુજ સાયબર રેન્જની તપાસમાં અમદાવાદના સ્વપ્નનીલ ઉર્ફે સેમ પટેલનું નામ બહાર આવ્યું છે. ભુજ રેન્જ ટીમે તમામની અટકાયત કરીને વાવ કોર્ટમાં રજૂ કર્યા હતા, બાદમાં પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા, જેમાંથી વાવ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભુજ રેન્જ ટીમે કડક પૂછપરછ કરી: આ પરપ્રાંતિય યુવક યુવતીઓ ભાડાના મકાનમાં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર દ્વારા વિદેશી લોકોને લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતા હતા. જે મામલે ભુજ રેન્જે તમામની અટકાયત કરતા તેમની કડક પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ લોકો વિદેશના લોકોને લોન અપાવવાના બહાને વિવિધ ચાર્જિસના રુપિયા પડાવતા હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: