તાપી: જિલ્લાના સોનગઢ નગરપાલિકા ચૂંટણી પહેલા બીજેપીમાં ટિકિટ ન મળતા આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. આજરોજ સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ ન મળતા જિલ્લા સંગઠન મંત્રી અનીતાબેન પાટીલે રાજીનામું આપ્યું છે.
ટિકિટ કપાતા રાજીનામું આપ્યું: આ મહિલાએ વોર્ડ નંબર 2 માંથી ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી કરી હતી. પરંતુ અંત સમયે ટિકિટ કપાઈ હોવાના કારણે અનીતાબેન અભય પાટીલે નારાજ થઈને પાર્ટીના દરેક હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તમને જણાવી દઈએ કે, અગાઉ અનીતાબેન પાટીલ સોનગઢ નગર સંગઠન મંત્રી, બે ટર્મ સોનગઢ નગર મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા હતા. વોર્ડ નંબર 2 માં અનીતાબેને કરેલી દાવેદારી ન માની અન્ય મહિલા ઉમેદવાર સંગીતાબેન પાટીલને ભાજપે ટિકિટ ફાળવી દેતા અનિતાબેન પાટીલે રાજીનામું આપ્યું છે.
ટિકિટ કાપતા પાર્ટીમાં નારાજગી: બે વર્ષના વહીવટદાર શાસન પછી ચૂંટણી આવતા સ્થાનિકો સહિત ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ હતો. તો બીજી બાજુ સોનગઢ નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપના હોદ્દેદારો દાવેદારોમાં રાફડો ફાટ્યો હતો. જેમાં 7 વોર્ડની 28 બેઠક માટે ભાજપમાં 100 થી વધુ લોકો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી. ત્યારે અનેક પ્રબળ દાવેદારોની ભાજપમાંથી ટિકિટ કાપતા નારાજગી જોવા મળી રહી છે. આમ હવે સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં કેટલા નારાજ થયેલા કાર્યકર્તાઓ નીકળશે તે જોવાનું રહ્યું.
'આજે મને એટલું દુઃખ થાય છે': ભાજપના હોદ્દા પરથી રાજીનામું આપનાર અનિતા પાટીલે જણાવ્યું હતું કે, 'હું ભારતીય જનતા પાર્ટી સાથે 20 વર્ષથી સંકળાયેલી છું. તાપી જિલ્લા સંગઠન મંત્રી છું. મને પાછલી ટર્મમાં ટિકિટ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ ટિકિટ આપવામાં આવી ન હતી. પણ મેં સમજી લીધું હતું કે ચાલો કોઈ વાંધો નહીં. ઉપરાંત મને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, આવતા ટર્મમાં તમને ટિકિટ આપવામાં આવશે.'
સી.આર. પાટીલે ત્યાંથી ટિકિટ કટ કર્યું છે: વધુમાં જણાવતા અનિતા પાટીલ જણાવે છે કે, 'સાંજ સુધી ટિકિટ તમને જ મળશે તેવું કહેવામાં આવ્યું અને સવારે ખબર પડી કે મારી ટિકિટ કપાઈ ગઈ છે. આજે મને એટલું દુઃખ થાય છે. હું આટલા વર્ષોથી કામ કરું છું તો પણ મને ટિકિટ આપવામાં ન આવી. જ્યારે મેં હોદ્દેદારોને પૂછ્યું તો હોદ્દેદારોએ જવાબ આપ્યો કે સી.આર. પાટીલે ત્યાંથી ટિકિટ કટ કર્યું છે અને સંગીતા પાટીલને આપ્યું છે. જે સંગીતા પાટીલ પાછલા ટર્મમાં હારી ગઈ હતી છતાં તેમને ટિકિટ આપવામાં આવી છે. આથી મેં ખૂબ જ દુઃખ સાથે રાજીનામું આપ્યું છે.'
આ પણ વાંચો: