નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED દ્વારા સમન્સ પર હાજર ન થવાના કેસમાં જામીન મંજૂર કર્યા છે. એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ 15,000ના અંગત બોન્ડ અને 1 લાખની જામીનના આધારે કેજરીવાલને જામીન આપ્યા છે. ઇડીએ કેજરીવાલ સામે બે ફરિયાદ દાખલ કરી છે. 7 ફેબ્રુઆરીના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે EDની પ્રથમ ફરિયાદને ધ્યાનમાં લેતા કેજરીવાલને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહ દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. EDએ 4 ઓક્ટોબરે સંજય સિંહની તેમના સત્તાવાર નિવાસસ્થાને પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. EDએ 9 માર્ચ 2023ના રોજ આ મામલામાં પૂછપરછ બાદ તિહાર જેલમાંથી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયાની અગાઉ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે સંજય સિંહની જામીન અરજી ફગાવી દીધી છે. હાઇકોર્ટ દ્વારા સંજય સિંહની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે, ત્યારબાદ સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી પણ ફગાવી દીધી છે.