ભરૂચઃ શ્વાન તેની લોયલ્ટી જ નહીં પણ માણસ કરતાં ઘણી બાબતોમાં આગળ છે. પોતાની કુનેહનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપતા હોય છે. એટલું જ નહીં પણ હાલમાં જ જ્યાં ડોગ દ્વારા દારુનું ડિટેક્શન કરવામાં આવ્યું હતું ત્યાં હવે ડોગ દ્વારા ચોરીનો ગુનો પણ ઉકેલી નાખવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ભરૂચ પોલીસની પણ છાતી ફૂલી છે. ભરૂચ પોલીસનો શ્વાન સિલ્કીએ ₹3.58 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. એટલું જ નહીં પણ ચોરે સંતાડેલા રોકડા પણ શોધ્યા છે.
તસ્કરો લઈ ગયા હતા રોકડા અને જરૂરી દસ્તાવેજોઃ આમોદ ખાતે આવેલા એક્સપ્રેસ હાઇવેના રેસ્ટ હાઉસના લોકરમાંથી રોકડા અને દસ્તાવેજની ચોરી થઈ હતી. ભરૂચ પોલીસની ટ્રેકિંગ ડોગ સિલ્કીએ ₹3.58 લાખની ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી કાઢવા સાથે ચોર અને રોકડા પણ શોધી કાઢ્યા છે. આમોદ ખાતે આવેલા એક્સપ્રેસ હાઇવેના રેસ્ટ હાઉસના લોકરમાંથી રૂપિયા 3.58 લાખની ચોરીનો પોલીસ ડોગ સિલ્કીએ ભેદ ઉકેલી નાખ્યો છે. અમોદમાં ગત 26 નવેમ્બરે એકસપ્રેસ-વે ના રેસ્ટ હાઉસનું લોકર તોડી તસ્કર રોકડા રૂપિયા અને જરૂરી દસ્તાવેજોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ગુનાની તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કોર્ડની ટીમને મદદે બોલાવી હતી. આમોદ પોલીસે આમોદ, દોરા, દાંડા અને તેલોદ સહિતના ગામના શંકાસ્પદ અને હિસ્ટ્રીશીટરોને ડીટેઈન કરી પૂછપરછ શરૂ કરી હતી.
ચોરીના સ્થળની સ્મેલ આપી પોલીસની ટ્રેકિંગ ડોગ સિલ્કીને હિસ્ટ્રીશીટર્સની સ્મેલ આપવામાં આવતા તેણે ગુનાનો આરોપી અને ચોર ચિરાગ દિનેશ વાળંદ હોવાનું શોધી કાઢ્યું હતું. પોલીસ ડોગ સિલ્કીએ તેલોદ કેનાલ નજીક તસ્કરે સંતાડેલા ચોરીના રૂપિયા સાડા ત્રણ લાખ પણ શોધી કાઢ્યા હતા.
ઘટના અંગે જાણકારી આપતા જંબુસરના ડીવાયએસપી પી એલ ચૌધરીએ જણાવ્યું કે, ગત 26મીએ આ ચોરીની ઘટના બની હતી. જેને લઈને આમોદ પોલીસે શંકાસ્પદોને પકડ્યા હતા. બીજી બાજુ ફોરેન્સિક એક્સપર્ટ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કોર્ડની ટીમની મદદ લેવાઈ હતી. જેમાં ડોગ સિલ્કીને અપાયેલી ટ્રેનિંગ પ્રમાણે કામ કરતા તેણે આ ગુનામાં ચિરાગ વાણંદને ઝડપી પાડ્યો હતો. સિલ્કીએ ઉત્કૃષ્ટ કામ કરીને ગણતરીના સમયમાં ગુનો ડિટેક્ટ કર્યો છે. પોલીસે આ મામલામાં આગળની તપાસ હાથ ધરી છે.